ઉત્તર ભારતમાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે જમ્મુ કાશ્મીર અને લેહ-લડાખમાં ભારે ગરમી પડી રહી છે. આ વખતની ભીષણ ગરમીએ કાશ્મીર ઘાટીમાં 132 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલમાં સ્થિતિ એ છે કે લદ્દાખ અને કાશ્મીરનું તાપમાન દિલ્હી-મુંબઈ અને ઉત્તર ભારતના ગરમ રાજ્યો કરતાં પણ ઘણું વધારે છે. ગરમીના કારણે કેટલીક જગ્યાએ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ચાલો જાણીએ કે જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ફ્લાઈટ્સ કેમ રદ થાય છે.
ભારે વરસાદ અથવા હિમવર્ષાને કારણે ઘણીવાર ફ્લાઈટ્સને ટેક-ઓફ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના કારણે લેહમાં ગરમીના કારણે ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ગયા રવિવારે લેહ એરપોર્ટ પર 4 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે આ પહેલા શનિવારે દિલ્હીથી આવતી ફ્લાઈટ લેહ એરપોર્ટ પર ઉતરી શકી ન હતી. હાલમાં લેહમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, જે આ વિસ્તાર માટે ખુબ અસામાન્ય ગરમ તાપમાન છે.
વિમાનને ઉડાવવામાં માટે પાયલોટે હવામાન, તાપમાન, દબાણ, પવનની ગતી અને દિશા વગેરે જેવા પરિબળો ધ્યાનમાં લેવાના હોય છે. જયારે કોઈ પણ એક પરીબળ પોતાની ચરમસીમાએ પહોચી જાય તો વિમાનને ટેક-ઓફ કરવામાં સમય લાગી શકે છે અથવા તો પૂરી ફ્લાઈટ રદ થઇ શકે છે.
ગરમ હવાથી વિમાનને ટેક-ઓફ કરવામાં મુશ્કેલી
ટેક-ઓફ દરમિયાન પાયલોટે ભારે-ભરખમ વિમાનને નીચે ખેંચતા ગુરુત્વાકર્ષણ બળ સામે લડીને તેને હવામાં લઇ જવાનું હોય છે. ગુરુત્વાકર્ષણ બળને પહોંચી વળવા અને વિમાનને ઉપર તરફ ધકેલવા માટે પવનની મદદ લેવામાં આવે છે. એટલે કે, વિમાનનું વજન જેટલું વધારે હશે, પાઈલટને ટેક-ઓફ કરવા માટે તેટલા જ હવાના દબાણની જરૂર પડશે. પરંતુ ગરમ તાપમાનમાં વિમાનને આ થ્રસ્ટ(જોર) મળી શકતું નથી. હવા જેટલી વધારે ગરમ હોય છે તે એટલી જ વધારે ફેલાય છે. હવાના ફેલાવાથી વિમાનને ઉપર ધકેલવા મારે એર મોલિક્યુલસની સંખ્યા ઓછી થઇ જાય છે. જેથી એન્જીનને જરૂરી થ્રસ્ટ નથી મળી શકતું.
વધારે તાપમાન છતાં પણ દિલ્લીમાં ફ્લાઈટ ટેક-ઓફ કેમ કરી શકે છે
લેહમાં તાપમાન 40 ડીગ્રીથી નીચે છે. જયારે દિલ્લીમાં તાપમાન 40 ડીગ્રીથી વધુ થઇ જાય તો પણ વિમાન ટેક-ઓફ કરી શકે છે. હકીકતમાં લેહ એરપોર્ટ 11 હજાર ફૂટ ઉંચાઈએ આવેલું છે. અહિયાં હવામાં ભેજ હોતો નથી. ઓક્સિજન પણ ઓછો જોય છે જેથી હવામાન સુકુ રહે છે. તેના કારણે વિમાનને થ્રસ્ટ મળતી નથી. તો બીજી તરફ દિલ્લીનું હવામાન લેહથી ખુબ અલગ છે. અહી ભેજના કારણે હવા ભારે હોય છે. માટે વિમાનને ટેક-ઓફ કરવામાં કોઈ સમસ્યા થતી નથી.
3 ડિગ્રી તાપમાનમાં વધારો થવા પર વિમાનને 1 ટકા ઓછી લિફ્ટ મળે
વિમાનને ઉડાવવામાં ઘણાં પરિબળો સામેલ હોય છે. જો પવનથી વિમાનને થ્રસ્ટ ઉપલબ્ધ ન હોય, તો પાયલોટ વિમાનને હવામાં લઈ જવા માટે અન્ય પરિબળનો ઉપયોગ કરે છે. પ્રત્યેક 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવા પર વિમાનને 1 ટકા ઓછી લિફ્ટ મળે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે વિમાને ટેક-ઓફ દરમિયાન તેની ગતીમાં વધારો કરવો પડે છે. પરંતુ આ માટે વિમાનને લાંબા રનવેની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, કોઈ વિમાનને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ટેક-ઓફ કરવું હોય તો, તેને 6500 ફૂટ રનવેની જરૂર પડે છે. અને તે જ વિમાનને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ટેક-ઓફ કરવા માટે 8200 ફૂટ રનવેની જરૂર પડશે.
જો વિમાનને નાના રનવે પરથી ટેક-ઓફ કરવું હોય તો આ સ્થિતિમાં વિમાનનો વજન ઓછો કરવો પડે છે. આમાં એરલાઈન્સ સામાન્ય રીતે સામાન અથવા મુસાફરોને હટાવીને વજન ઓછું કરે છે, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને એરલાઈન્સને નુકસાન સહન કરવું પડે છે.