મોદી કેબિનેટમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. એવું સામે આવ્યું છે કે, કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય સંભાળ્યા બાદ હવે તેમના નાયબ મંત્રીને પણ કાયદા મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલના વિભાગને બદલી દીધો છે. હવે તેઓ કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના સ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેની નવી જવાબદારી સંભાળશે.
આ પહેલા મોદી સરકારમાં વિવિધ વિભાગોની જવાબદારી સંભાળનાર કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું હતું. આ મંત્રાલયની જવાબદારી હવે અર્જુન રામ મેઘવાલને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોને ફરીથી પોર્ટફોલિયોની ફાળવણી કરી છે.
કિરેન રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આ મંત્રાલય સંભાળતા હતા. આ સાથે જ મેઘવાલને કાયદા રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. મેઘવાલ પહેલાથી જ સંસ્કૃતિ મંત્રાલય અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હોદ્દો ધરાવે છે.