ભારતીય ક્રિકેટ બોર્ડ 27મી મેના દિવસે એક ખાસ મિટિંગ કરવા જઈ રહ્યું છે. BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-20 માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.
World Cup 2023ને લઈને મોટી અપડેટ્સ
વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 15 ઓક્ટોબર, 2023ના રોજ થઈ શકે છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ( 5 ઓક્ટોબર) અને ફાઇનલ મેચની ( 19 નવેમ્બર) યજમાની કરી શકે છે.
ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેપોક સ્ટેડિયમમાં થઈ શકે છે.
વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ વચ્ચે થશે.
મુંબઈ એક સેમી ફાઈનલ મેચની યજમાની કરશે.
પાકિસ્તાનની મેચો અમદાવાદ, હૈદરબાદ, ચેન્નાઈ, બેંગલુરુમાં રમાશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.