જમ્મુ-કાશ્મીરમાં આજથી G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી, આ પહેલો મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં G-20 દેશોના 60 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, G-20 મીટિંગની શરૂઆત પહેલા પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં 100 થી વધુ નકલી હેશટેગ એક્ટીવ કરવામાં આવ્યા છે, જેનું કામ G20 વિરોધી પ્રચાર કરવાનું છે.
લગભગ 500 શંકાસ્પદ મોબાઈલ નંબરોની પણ ઓળખ કરવામાં આવી છે. આ પ્રચાર યોજના માટે પાકિસ્તાન દ્વારા જે લોકો ખાસ બનાવવામાં આવ્યા છે, કાં તો તેમના તરફથી વોટ્સએપ મેસેજ આવે છે અથવા તો લોકોને બેનામી કોલ આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી G-20 મીટિંગ અને ભારત સરકારનો વિરોધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લગાવવાનું પણ ષડયંત્ર છે, જેનો હેતુ લોકોને ઉશ્કેરવાનો છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ભારતના હિતોને નુકસાન પહોંચાડવાનો છે, G-20 બેઠક વિશે ભ્રામક માહિતી લાવવાનો છે.