ટાટા ગ્રૂપના નામ સાથે એક મોટી ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. તેને વિશ્વની ટોપ-50 મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં તે એકમાત્ર ભારતીય કંપની છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા 2023ની મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. તેમાં ટાટા ગ્રૂપ 20મા સ્થાને રહ્યું છે.
આ યાદી દર વર્ષે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવે છે. તેમાં વિશ્વભરની કંપનીઓનું પ્રદર્શન, તેમની ક્ષમતા અને ઈનોવેશન સહિત અન્ય ઘણા પરિમાણો અંગે નિરીક્ષણ કરવામાં આવે છે અને તેના આધારે તેમને યાદીમાં સ્થાન આપવામાં આવે છે. દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે આ તમામ માપદંડો પર સારો દેખાવ કરીને આ સ્થાન હાંસલ કર્યું છે.
આઇફોન નિર્માતા અમેરિકન કંપની Apple ટોપ-50 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં નંબર વન પર આવી છે. જ્યારે બીજા ક્રમે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) છે જેની આગેવાની જેફ બેઝોસ કરે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં ટેસ્લા ત્રીજા નંબરે હતી, જેની રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે.
આ યાદીમાં સામેલ અન્ય મોટી કંપનીઓની વાત કરીએ તો ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક ચોથા નંબરે છે જ્યારે અબજોપતિ બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ પાંચમા નંબરે છે. અમેરિકન ફાર્મા કંપની મોડર્ના છઠ્ઠા, સાઉથ કોરિયાની સેમસંગ સાતમા, ચીની કંપની હુવેઇ આઠમા ક્રમે છે. BYD કંપનીને નવમા નંબરે અને સિમેન્સને દસમા નંબરે રાખવામાં આવી છે. મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓ 2023ની યાદીમાં સામેલ અન્ય કંપનીઓ વિશે વાત કરીએ તો ફાર્મા કંપની ફાઈઝર, સ્પેસએક્સ, ફેસબુક (મેટા), નેસ્લે, વોલમાર્ટ, અલીબાબા અને અન્ય કંપનીઓને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આઝાદી પહેલા શરૂ થયેલી કંપનીઓની વાત કરીએ તો ટાટા ગ્રુપનું નામ સૌથી ઉપર આવે છે. દેશને મીઠુંથી લઈને લક્ઝરી કાર બનાવી આપનાર ગ્રૂપનો બિઝનેસ 1868માં શરૂ થયો હતો. આજે IT સેક્ટરની સૌથી મોટી કંપની TCS, મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઈન્ડિયન હોટેલ કંપની આ ગ્રુપનો ભાગ છે. એર ઈન્ડિયા દ્વારા જ્યાં ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું નામ બની ગયું છે ત્યાં જેગુઆર અને લેન્ડ રોવર બ્રાન્ડ્સ પણ વાહનોના સંદર્ભમાં ટાટાના હાથમાં આવી ગઈ છે. ભારતીય હોટેલ્સ કંપનીની સ્થાપના 1903માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. મુંબઈમાં આવેલ તાજ મહેલ પેલેસ (તાજ હોટેલ મુંબઈ) આજે દેશની ઓળખ બની ગયો છે.