વર્ષ 2016માં જ્યારે દેશમાં નોટબંધીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એટીએમ(ATM) મશીનોની બહાર લાંબી કતારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે જ સમયે દેશને ભીમ એપના રૂપમાં UPI જેવી ડિજિટલ પેમેન્ટનું ‘વરદાન’ મળ્યું અને આજે 8 વર્ષ પછી આ UPI એ ATMને જ ભૂતકાળ બનાવવાના તબક્કામાં લાવી દીધું છે. 2016ની નોટબંધી પછી ભારતમાં ડિજિટલ પેમેન્ટને સારું પ્રોત્સાહન મળ્યું છે.
આ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 8 વર્ષમાં ATM જનારા લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. તે જ સમયે UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની સંખ્યા અનેકગણી વધી છે.
SBI ના આર્થિક સંશોધન અહેવાલ ‘SBI Ecowrap’ ની નવીનતમ આવૃત્તિ જણાવે છે કે એપ્રિલ 2016 માં એક ભારતીય વર્ષમાં સરેરાશ 16 વખત ATMની મુલાકાત લેતો હતો. આ સામે એપ્રિલ 2023માં આ આંકડો માત્ર 8 જ રહ્યો છે. આ દરમિયાન દેશમાં UPI દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ ખૂબ જ ઝડપથી વધી છે જેના આંકડા જાણીને તમે ચોકી જશો.