વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિફેોલ્ટ થવાની નજીક પહોંચી ગયું છે. દેશના નાણા પ્રધાન જેનેટ યેલેને ચેતવણી આપી છે કે જો ૧ જૂન સુધીમાં દેવાની મર્યાદા વધારવામાં નહીં આવે તો અમેરિકા ડિફોલ્ટ થઇ સકે છે. જો અમેરિકા ડિફોલ્ટ થશે તો તેના ભયાનક પરિણામો જોવા મળશે.
મૂડીઝ એનાલિટિક્સના જણાવ્યા અનુસાર જો અમેરિકા ડિફોલ્ટ થશે દેશમાં ૭૦ લાખ લોકોની નોકરીઓ જતી રહેશે. બેકારીનો દર આકાશને આંબીને આઠ ટકા થઇ જશે. જીડીપીમાં ચાર ટકાનો ઘટાડો થશે. શેરબજારમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળશે. લોકોની ૧૦ લાખ કરોડ ડોલરની સંપત્તિનું ધોવાણ થઇ જશે.
મૂડીઝના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝાન્ડીના નેતૃત્ત્વમાં તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ ચેતવણી આપવામાં આવી છે. જો કે અમેરિકન પ્રમુખ બાઇડેને આશા વ્યક્ત કરી છે કે દેવું વધારવાની મર્યાદા અંગે સમજૂતી સાધવામાં આવશે. બાઇડન વહીવટી તંત્ર દરરોજ રિપબ્લિકન સાંસદો સાથે આ મુદ્દે મંત્રણા કરી રહ્યાં છે.
દેવાની મર્યાદા ૩૧.૪ ટ્રિલિયન ડોલર છે. ડેટ લિમિટ એ સીમા હોય છે જ્યાં સુધી ફેડરલ સરકાર ઉધાર લઇ શકે છે. ૧૯૬૦થી આ લિમિટ ૭૮ વખત વધારવામાં આવી છે. છેલ્લે ડિસેમ્બર, ૨૦૨૧માં આ લિમિટ વધારી ૩૧.૪ ટ્રિલિયન ડોલર કરવામાં આવી હતી.
બીજી તરફ રેટિંગ એજન્સી ફિચે અમેરિકાની એએએ રેટિંગને નેગેટિવ વોચમાં નાખી દીધું છે. આ સાથે જ ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરવાના પણ સંકેત આપ્યા છે. જો કે ફિચે આશા વ્યક્ત કરી છે કે રાજકીય સંમતિ સાધી લેવામાં આવશે અને દેવાની મર્યદા વધી જશે.દરમિયાનમાં અમેરિકાને ડિફોલ્ટ થતા બચાવવા માટે બાઇડેન વહીવટી તંત્ર રિપબ્લિકન સાંસદોને દેવાની મર્યાદા વધારવાને મંજૂરી આપવા માટે સમજાવવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. જો કે રિપબ્લિકનના સાંસદો સપ્તાહની અંતિમ દિવસોની રજાઓ માણવા વોશિંગ્ટન બહાર જતા રહેતા બાઇડેનના વહીવટ તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે કારણકે ૧ જૂન સુધી સમજૂતી નહીં થાય તો અમેરિકા ડિફોલ્ટ થઇ શકે છે.
વીકએન્ડની રજાઓ પછી જ્યારે સાંસદો પરત પાછા ફરશે તો બાઇડેનને તેમને સમજાવવા માટે બે કે ત્રણ દિવસ જ બાકી રહેશે.
ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન સાંસદો છેલ્લા ઘણા સમયથી કહી રહ્યાં છે કે જો બાઇડેન સરકાર ખર્ચમાં ઘટાડો કરશે તો જ તેઓ દેવાની મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપશે.
આર્થિક વિકાસ દરમાં ઘટાડો ચાલુ રહેતા જર્મની મંદીમાં ધકેલાયું.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ જર્મનીમાં ઊર્જા કટોકટીથી ફુગાવામાં જોરદાર વધારો.
યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીમાં આર્થિક વિકાસ દર (જીડીપી) સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યો છે. ૨૦૨૨ના અંતિમ ત્રિમાસિકમાં ૦.૫૦ ટકાના નેગેટિવ આર્થિક વિકાસ દર બાદ જર્મનીનો વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકનું જીડીપી ૦.૩૦ ટકા ઘટયું હોવાનું જર્મનીની સ્ટેટિસ્ટિકસ ઓફિસના આંકડામાં જણાવાયું હતું.
કોઈ દેશનો આર્થિક વિકાસ દર સતત બે ત્રિમાસિક ગાળા સુધી નકારાત્મક રહે તો તે સ્થિતિને આર્થિક ભાષામાં મંદીની સ્થિતિ ગણવામાં આવે છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ જર્મની છેલ્લા કેટલાક સમયથી ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે. અગાઉ આર્થિક વિકાસ દર શૂન્ય રહેવાની ધારણાં મૂકવામાં આવી હતી. રશિયા ખાતેથી ઊર્જા પૂરવઠો અટકી પડતા જર્મનીમાં ફુગાવો વધ્યો હતો.
યુદ્ધ શરૂ થયું ત્યારે જેવી ધારણાં મૂકવામાં આવતી હતી તેના કરતા મંદી ઓછી ગંભીર છે. કોરોના બાદ માગમાં રિકવરી એટલી પૂરતી નહોતી જે દેશને મંદીમાં ધકેલાતા અટકાવી શકી એમ જર્મનીના એક અર્થશાસ્ત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.