અગ્રણી ટેકનોલોજી અને ઇ-કોમર્સ કંપની એમેઝોને મોટાપાયા પર છટણી પછી આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) અને એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) જેવી સંસ્થામાં કેમ્પસ હાયરિંગ કર્યુ હતું તેમાં ફ્રેશર્સને ઓફર લેટર આપવાની યોજના આગામી કેટલાક મહિના સુધી મુલતવી રાખી છે. આની પાછળ અમેરિકામાં મંદીનો ભય કારણભૂત મનાય છે.
આઇઆઇટી બોમ્બેમાંથી ગ્રેજ્યુએટ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને એમેઝોનના સોફ્ટવેર એન્જીનીયર તરીકે હાયર કરવામાં આવ્યો હતો. હવે આ ઓફરને જાન્યુઆરી ૨૦૨૪ સુધી મુલતવી રાખવામાં આવી છે.
તેને એમેઝોનમાં એસડીઇ-લેવલ વન પર ૩૦ લાખ રુપિયાના વાર્ષિક પગારે ભરતી કરવામાં આવ્યો હતો. તેને જુનમાં જોઈન કરવાનું હતું. પણ એચઆરમાંથી ઇમેઇલ આવ્યો છે કે તમારી ઓફર હાલમાં ટાળી દેવામાં આવી છે. મારી જોઇનિંગ હવે જાન્યુઆરી ૨૦૨૪માં છે.
તેણે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ કંપની સાથે ઇન્ટર્નશિપ કરી હતી તેમનો અનુભવ પણ આવો જ રહ્યો હતો. એનઆઇટીના પ્લેસમેન્ટ સેલે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને આપવામાં આવનોર ઓફર લેટર થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે.
એમેઝોને આ અંગે તેની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે પડકારજનક આર્થિક વાતાવરણ જોતા અમે કોલેજમાંથી હાયરિંગ કરેલા કેટલાક વિદ્યાર્થીઓનું જોઈનિંગ છ મહિના મુલતવી રાખ્યું છે. આ પહેલા ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં કહેવાયું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં અમેરિકન સ્ટુડન્ટ્સને આપવામાં આવનારી ઓફર એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એમેઝોને છેલ્લા કેટલાક સપ્તાહમાં ૨૭,૦૦૦ની છટણી કરી છે. એમેઝોનના સીઇઓ એન્ડી જેસીએ જણાવ્યું હતું કે ૨૭ હજાર કર્મચારીઓની છટણીનો નિર્ણય અત્યંત આકરો હતો, પરંતુ તે જરુરી હતો. આગામી સમયમાં કંપનીને તેનો ફાયદો મળશે.