આદિવાસી સમાજમાં ધર્માતરણ અંગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલી યોજાશે. જેમાં ગુજરાતમાંથી એક લાખ આદિવાસી લોકો આવે તેવી શક્યતા છે. રિવરફ્રન્ટ મેટ્રો બ્રિજ નીચે આશ્રમ રોડ તરફ સાંજે 6 વાગે સભા યોજાશે. જનજાતિ સુરક્ષા મંચે ડી-લિસ્ટિંગ મહારેલીનું આયોજન કર્યું છે. ધર્માંતરણ બાદ STના લાભો લેનારને યાદીમાંથી દૂર કરવા માગ કરવામાં આવી છે. જનજાતિ સુરક્ષા મંચે બંધારણીય રાહે પગલા લેવાની માંગ કરી છે.
જનજાતિ સુરક્ષા મંચનો દાવો છે કે જનજાતિ સમાજમાંથી જે લોકો કન્વર્ટેડ થયા છે. ઈસાઈ કે ઈસ્લામ બની ગયા છે. અને જનજાતિ સમાજની રૂઢિગત પરંપરા, પૂજા પદ્ધતિ, સંસ્કૃતિ, રીતી નીતિ, જીવન પદ્ધતિ છોડી દીધી છે. જેથી આવા લોકો જનજાતિના સદસ્ય રહેતા નથી. છતાં પણ જનજાતિ સમાજનો લાભ અને લધુમતી સમાજનો લાભ આવી રીતે બેવડા લાભ લઈ રહ્યા છે. જેથી અમારી વાસ્તવિક જનજાતિને મોટો અન્યાય થઈ રહ્યો છે.