ભારતીય વાયુસેનાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં વાયુસેનામાં ફાઇટર જેટની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. આ દરમિયાન એક સંરક્ષણ સંબંધિત વેબસાઇટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ સોદો સરકારથી સરકાર (G2G) ધોરણે થશે.
ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન 28 કે 29 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારતીય નૌકાદળ માટે રાફેલ મરીન ફાઇટર પ્લેન ખરીદવા અંગે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ રાફેલ મરીન ફાઇટર જેટ ભારતના વિમાનવાહક જહાજો પર તૈનાત કરવામાં આવશે.
Rafale Surge: IAF Eyes 40 More Jets as Navy Deal Nears Signing
➡️ Huma Siddiqui@IAF_MCC @SpokespersonMoD @nitingokhale @skchatts @RRaviishankarr @CaptDKS #Rafale #AirForcehttps://t.co/FaCMHAFhcO
— BharatShakti.in (@BharatShaktiBSI) April 16, 2025
ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ભારતમાં ઉત્પાદિત થનારા હેલિકોપ્ટર માટે ફ્રેન્ચ કંપની સફ્રાન પાસેથી એન્જિન ખરીદવા અને ભારતીય વાયુસેના માટે રાફેલ ફાઇટર જેટની બીજી બેચ ખરીદવા. આ કરારને હાલમાં ફાસ્ટ-ટ્રેક MRFA-પ્લસ ડીલ નામ આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે, MRFA (મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ) કાર્યક્રમ હેઠળ ભારત 114 ફાઇટર પ્લેન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે અને આ અંગે ઘણા સ્તરે વાતચીત ચાલી રહી છે.
સરકારે ભર્યું મોટું પગલું
ભારતે મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ 114 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાના છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જોકે સૂત્રોએ જણાવ્યું છે કે, ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતો અને રાફેલ વિમાનો સાથેની હાલની તાલમેલને ધ્યાનમાં રાખીને સરકારે સીધા રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય લીધો છે. વાટાઘાટોમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ફક્ત ખરીદી નથી પરંતુ ભવિષ્યમાં પણ ચાલુ રહેનારી મોટી વ્યૂહાત્મક યોજનાનો એક ભાગ છે.
વાયુસેનાને વધુ મજબૂત બનાવવામાં આવશે
ભારતીય વાયુસેનાને સંપૂર્ણ રીતે મજબૂત રાખવા માટે તેની પાસે ઓછામાં ઓછા 42.5 સ્ક્વોડ્રન હોવા જરૂરી છે પરંતુ હાલમાં ફક્ત 31 સ્ક્વોડ્રન જ હાજર છે. આવી સ્થિતિમાં જો ચીન અને પાકિસ્તાન સાથે એક સાથે યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે,તો ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા નિવૃત્ત વાયુસેના અધિકારીઓએ તો આ પરિસ્થિતિને ‘કટોકટી’ પણ કહી છે. આ વર્ષની શરૂઆતમાં વાયુસેનાના માર્શલ એપી સિંહે પણ કહ્યું હતું કે, જૂના વિમાનોની નિવૃત્તિને કારણે દર વર્ષે 35-40 નવા ફાઇટર વિમાન ઉમેરવા જરૂરી છે જેથી તાકાતમાં કોઈ ઘટાડો ન થાય. બીજી તરફ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 2030 સુધીમાં 97 તેજસ Mk-1A જેટ પહોંચાડવાની યોજના બનાવી છે પરંતુ ઉત્પાદનની ધીમી ગતિને કારણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ લાગે છે.