ગુજરાત સરકાર દ્વારા ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ ઉજવણી નિમિતે સરકારની યોજનાકીય બાબતો, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને નિર્ણયોની સામાન્ય લોકોને જાણકારી સરળતાથી પહોંચાડવા હેતુ કનેક્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં નડિયાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની સહ અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠક અંતર્ગત સોશ્યલ મીડિયા અમલીકરણ યોજના, સોશિયલ મીડિયા દ્વારા સરકારની પ્રવૃત્તિઓનું સંસ્થાકીયકરણ, જીલ્લાથી ગ્રામ્ય કક્ષાની કચેરીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની શરૂઆત,વોટ્સએપ ગ્રુપ નેટવર્ક,સોશિયલ મીડિયા ડિરેક્ટરી,તાલીમ અને સોશિયલ મીડિયા રિવ્યૂ સહિતની અગત્યની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં માહિતી નિયામક કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. સાથે જ આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ અલગ સોશિયલ મિડિયા યુનિટની વ્યવસ્થા આપવાની પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, ટ્રેડિશનલ,પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકારની યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે. આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું.
આ તકે માહિતી નિયામકશ્રી અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીશ્રીએ ખેડા વહીવટી તંત્રની સોશિયલ મીડિયાને લઈને કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે કનેક્ટ ગુજરાત અંતર્ગત જિલ્લા કક્ષાએ તમામ પ્રક્રિયાઓ સચોટ અને સત્વરે કાર્યરત કરવા ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, મનપા કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, ડી આર ડી એ ડાયરેક્ટર લલિત પટેલ સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.