પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમાં આ ઘટનાને પગલે આતંકવાદીઓના ગઢ એવા પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીના પૂતળા દહન કરાયા હતા.
પહેલગામની આતંકી ઘટનાને પગલે નવસારીમાં માર્ગો પર પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું હતું. જેના પર લોકો ચાલીને તથા પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યાં છે. આ સાથે જ આવતા જતા લોકો તેના પર ચંપલ મારીને થૂંકી પણ રહ્યા છે. તો શહેરના શહીદ ચોક ખાતે લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને પાકિસ્તાન તથા આતંકવાદના પૂતળાનું દહન કરી નારા લગાવી રોષ ઠાલવ્યો હતો.