ભારત આજે આતંકવાદ અને દુશ્મનની પ્રવૃત્તિઓ સામે મજબૂત અને તીવ્ર જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારતે અદ્યતન ટેક્નોલોજી અને ઘાતક શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો છે જેના કારણે પાકિસ્તાની ડ્રોન, મિસાઇલ અને ફાઇટર જેટ હવામાં જ નાશ પામી રહ્યા છે. પાકિસ્તાનનો સામનો કરવા માટે, ભારત એવા 7 શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે.
હાર્પી ડ્રોન
ભારતના હાર્પી ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ તંત્રને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ડ્રોનની રેન્જ લગભગ 1000 કિમી છે અને તે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે 32 કિગ્રા વિસ્ફોટકો લઈ જઈ શકે છે અને લગભગ 9 કલાક સુધી હવામાં રહી શકે છે. કોઈપણ હવામાનમાં, દિવસ કે રાત દરેક પરિસ્થિતિમાં કામ કરે છે.
ઇગ્લા મિસાઇલ સિસ્ટમ
આ રશિયાથી મેળવી ખભાથી છોડાતી મિસાઇલ છે. તેની રેન્જ 6 કિમી છે અને તે 2,266 કિમી/કલાકની ઝડપે લક્ષ્ય પર હુમલો કરે છે. 11,000 ફૂટ ઊંચાઈ સુધી લક્ષ્યને ભેદી શકે છે. આ મિસાઇલના કારણે પાકિસ્તાનના ઘણા ડ્રોન અને ફાઇટર જેટ નાશ પામ્યા.
આકાશ મિસાઇલ સિસ્ટમ
આ DRDO દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી મધ્યમ રેન્જની મિસાઇલ છે. તેની મારક ક્ષમતા 25થી 30 કિમી છે અને ઝડપ 3,000 કિમી/કલાકથી વધુ છે. તેની ચોકસાઈ 90% છે. આ મિસાઇલના કારણે પાકિસ્તાનના JF-17 ફાઇટર જેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યું.
MRSAM મિસાઇલ સિસ્ટમ
ભારત અને ઇઝરાયલે મળીને આ મિસાઇલ વિકસાવી છે. તેની રેન્જ 70-100 કિમી છે અને તે ફાઇટર જેટ, ડ્રોન, ક્રૂઝ મિસાઇલ વગેરેનો નાશ કરી શકે છે. તે 20 કિમી ઊંચાઈએ લક્ષ્યને ભેદી શકે છે. ઉત્તર અને પશ્ચિમ સરહદ પર આ મિસાઇલ સિસ્ટમથી પાકિસ્તાનના ઘણા ડ્રોન અને મિસાઇલોને નષ્ટ કરવામાં આવ્યા છે.
શિલ્કા એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ
શિલ્કા એ સોવિયત બનાવટની સ્વચાલિત તોપ છે જેમાં ચાર 23 મીમી તોપો હોય છે. તેની રેન્જ 2.5 કિમી છે અને ફાયરિંગ સ્પીડ 3,400થી 4,000 રાઉન્ડ પ્રતિ મિનિટ છે. ઓછી ઊંચાઈએ ઉડતા ડ્રોન અને હેલિકોપ્ટરો માટે ખુબ અસરકારક છે.
ઝુ-23 મીમી એન્ટી એરક્રાફ્ટ ગન
આ ગન સત્તાવાર રીતે ઓછી ઊંચાઈના હવાઈ લક્ષ્યો માટે છે. તેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ફાયર કંટ્રોલ સિસ્ટમ છે અને 4,000 રાઉન્ડ પ્રતિ મિનિટના ફાયર રેટ સાથે શક્તિશાળી પ્રહાર કરી શકે છે.
L-70 40 મીમી એન્ટી એરક્રાફ્ટ ગન
આ ગનનો ફાયર રેટ 300 રાઉન્ડ/મિનિટ છે અને તે ઓછી ઊંચાઈએ ઉડતા વિમાનો અને ડ્રોનને નિશાન બનાવી શકે છે. અદ્યતન સેન્સર ટેકનોલોજી સાથે તે ખાસ બનાવવામાં આવી છે.
ભારતની આ હવાઈ સંરક્ષણ શક્તિઓએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ જ નહીં પણ પાકિસ્તાની સેનાને પણ કડવો પાઠ શીખવાડ્યો છે. પાકિસ્તાનને ચીન પાસેથી મળેલા JF-17 જેવા હથીયારો હવે નકામી સાબિત થઈ રહી છે. ભારતે પોતાની ટેકનોલોજી અને સેનાની તૈયારીથી સાબિત કર્યું છે કે જો પાકિસ્તાન સુધરશે નહીં તો તેનો વિનાશ નક્કી છે.