28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધો મજબૂત કરવા, લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા અને જીવન નિર્વાહનો ખર્ચ ઘટાડવા માટે ખાસ કામ કરશે.
આ પહેલા માર્ચમાં જસ્ટિન ટ્રુડો પાસેથી પદભાર લીધા પછી કાર્નીએ 24 સભ્યોની કેબિનેટની રચના કરી હતી જેમાં ભારતીય મૂળના બે મંત્રીઓનો સમાવેશ થતો હતો. હાલ કાર્નીના નવા મંત્રીમંડળમાં 4 ભારતીય મૂળના સાસંદોનો સમાવેશ થાય છે જેમાં અનિતા આનંદ વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત થયા છે તો અન્ય 3 સાંસદો મનિન્દર સિદ્ધુ, રૂબી સહોતા અને રણદીપ સરાય છે.
Canada, meet your new Cabinet.
This is a team that is empowered and expected to lead.
Together, we will create a new economic and security relationship with the United States and build a stronger economy — the strongest economy in the G7. pic.twitter.com/6TadSrxRPB
— Mark Carney (@MarkJCarney) May 13, 2025
અનિતા આનંદ: કેનેડાના પહેલા પહેલા હિન્દી વિદેશ મંત્રી
57 વર્ષીય અનિતા આનંદે ભગવદ ગીતા પર હાથ રાખીને વિદેશ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ આ પહેલા સંરક્ષણ અને નવીનતા મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન તેઓ વેક્સિન પુરવઠાની મુખ્ય જવાબદારી સાંભળતા હતા. અનિતાનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેમના પિતા તમિલ મૂળના છે અને માતા પંજાબી મૂળના છે. તેમના માતા-પિતા બંને ડોક્ટર હતા અને 1960 ના દાયકાની શરૂઆતમાં ભારતથી કેનેડા ગયા હતા. અનિતા આનંદે ડેલહાઉસી યુનિવર્સિટી, ટોરોન્ટો યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસની ડિગ્રી મેળવી છે. તેમણે યેલ અને ઓક્સફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં કાયદો ભણાવ્યો છે.
મનિન્દર સિદ્ધુ: આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી
બ્રેમ્પટન ઈસ્ટના સાંસદ મનિન્દર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અમેરિકા સાથેના વેપાર વિવાદો વચ્ચે તેમનો કાર્યકાળ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સિદ્ધુ પંજાબનો છે અને બાળપણમાં કેનેડા આવ્યો હતો. તેઓ અગાઉ અનેક મંત્રીઓના સંસદીય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે.
રૂબી સહોતાઃ ક્રાઈમ કંટ્રોલ સેક્રેટરી
રૂબી સહોતાને ગુના નિયંત્રણ બાબતોના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ 2015 થી બ્રેમ્પટન નોર્થના સાંસદ છે. તેઓ અગાઉ વકીલ હતા અને યુવાનોના મુદ્દાઓ પર કામ કરતા હતા. તેમણે સાસ્કાચેવાન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે અને જાહેર સેવામાં કારકિર્દી બનાવતા પહેલા ઇમિગ્રેશન અને કૌટુંબિક કાયદામાં પૃષ્ઠભૂમિ ધરાવે છે.
કેનેડાના નેશનલ પોસ્ટ અનુસાર “રૂબી ટોરેન્ટોની મૂળ નિવાસી છે જેઓ પહેલા અમેરિકામાં એક વકીલ તરીકે પ્રેક્ટિસ કરતાં હતા. અને તેઓ વાણિજ્યિક કાયદામાં નિષ્ણાત હતા.”
રણદીપ સરાઈ: આંતરરાષ્ટ્રીય વિકાસ બાબતોના સચિવ
સરે સેન્ટરના સાંસદ રણદીપ સરાઈને આંતરરાષ્ટ્રીય વિકાસ બાબતોના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ વિદેશમાં કેનેડાની સહાય અને સહાય યોજનાઓનું નિરીક્ષણ કરશે. સરાઈનો સંસદ સભ્ય તરીકે આ ચોથો કાર્યકાળ છે. તેઓ પહેલી વાર 2015 માં ચૂંટાયા હતા અને 2019 અને 2021 માં ફરીથી ચૂંટાયા હતા.
આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ તરીકે સરાઈ કેનેડાના વૈશ્વિક સહાય પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે. જેમાં માનવતાવાદી સહાય, શિક્ષણ, આરોગ્ય સંભાળ પહેલ અને ગરીબી નાબૂદી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
ભારતીય મૂળના સાંસદોનો રેકોર્ડ
આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 22 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. પાછલી સંસદમાં આ સંખ્યા 17 હતી. આ દર્શાવે છે કે કેનેડિયન રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે NDP નેતા જગમીત સિંહ પોતાની બેઠક હારી ગયા છે.