ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદિરના સુંદર કમાનથી સુશોભિત મુખ્ય દ્વારમાં પહોંચતા જ અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે. મંદિરની પાછળના ભાગે આવેલી ટેકરી પર ખોડિયાર માતાજી અને તેમની બહેનોનું સુંદર મંદિર બનાવવામાં આવેલું છે. જે માતાજીનું પહેલા સ્થાપિત કરવામાં આવેલું મંદિર છે. અને તાતણીયા ધરા પાસે ભાવનગરના મહારાજાએ બનાવડાવ્યુ હતું તે બીજુ મંદિર અને વર્તમાનનું મુખ્ય મંદિર છે.
આઈ શ્રી ખોડીયાર માતાજીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડીયા ચારણના ઘરે ભગવાન શિવનાં આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેમાંના દિવ્ય આત્મારૂપી જાનબાઈ, ખોડિયાર માતાજીના નામે પૂજાય છે. ભાવનગરના મહારાજા વખતસિંહજીએ આઈશ્રી ખોડિયારની પ્રશંસા સાંભળી હતી. એટલે કુટુંબ કબીલા, લાવ લશ્કર, બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમ પુર્વક રોહીશાળા ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા. મામડીયા ચારણ, તેમના ધર્મપત્ની અને સાતેય માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય રાજાનું સ્વાગત કર્યું હતું.
મહારાજા વખતસિંહજીએ માતાજીના પગે પડી કિંમતી ભેટ સોગાદ અર્પણ કરી, નમ્રતાપૂર્વક ભાવનગર પધારવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે મા ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો અમે સાતેય બહેનો તમારી પાછળ આવીશું. પણ મનમાં શંશય રાખી અમારું પારખું કરવા પાછળ જોશો તો અમે સાતેય બહેનો ત્યાં જ સ્થિર થઈ જઈશું. માતાજીની વાતનો સહર્ષ સ્વીકાર કરી, રાજા આગળ ચાલ્યા અને મા ખોડિયાર સાતેય બહેનો સાથે કંકુ પગલે રાજાની પાછળ રોહીશાળાથી ભાવનગર તરફ આગળ વધવા લાગ્યા હતા. રસ્તામાં ગળધરા નામનો ઘુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને પાછળ જોવાની ભૂલ કરી.
મા ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ, ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે. મહારાજા આતાબાપુ ગોહિલે આશરે 225 વર્ષ પહેલા મા ખોડિયારની દેરી બંધાવી સ્થાપના કરી હતી. વર્ષો પછી મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખોડીયાર માતાજી મંદિરના બાંધકામમાં વ્યક્તિગત ધ્યાન આપીને મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષો જૂના માતાજીના મંદિર સાથે ભાવિકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. અહિં દૂરદૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.
ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું માતાજીના મંદિરે વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીમાં હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ભાવિકો માતાજીની ભક્તિ, આરાધના અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. જ્યારે આસો નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી લોકો ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરે છે. કહેવાય છે કે માતાજી ખુદ નવદુર્ગા રૂપે નવરાત્રીમાં ગરબે ઘુમવા આવે છે. બન્ને નવરાત્રીમાં ખોડીયાર માતાજીના મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.
સમગ્ર વર્ષ દરમ્યાન હજારો ભાવિક ભક્તો મા ખોડીયારના દર્શને આવે છે. રવિવાર અને મંગળવારને માતાજીના વાર માનવામાં આવે છે. અને એટલે જ આ દિવસોમાં અનેક ભાવિકો પગપાળા યાત્રા કરી માતાજીના દર્શને આવે છે. વર્ષ બાર મહિનાની બાર પૂનમે મંદિરે ભવ્ય મેળો ભરાય છે, ત્યારે દૂરદૂરથી દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મંદિરમાં મા ખોડીયારના વાહન મગરની ચાંદીની પ્રતિમા રાખવામાં આવેલી છે લોકો મગરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે અને તાતણીયા ધરામાં અનેક શ્રદ્ધાળુઓને માતાજીના વાહન મગરના દર્શન થયા હોવાની માન્યતા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ થાય છે. ધરામાં ન્હાવાની મનાઈ છે એટલે શ્રદ્ધાળુઓ ધરાનું પવિત્ર જળ માથે ચડાવી માતાજીના પ્રત્યક્ષ દર્શન કર્યાની અનુભૂતિ કરે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં માતાજીના વિશાળ ત્રિશૂળના દર્શન થાય છે. માતાજીની મૂર્તિની બરાબર સામે ભગવાન શિવની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરે આવતા લોકો પ્રથમ મહાદેવના દર્શન કરીને મા ખોડીયારના દર્શન કરે છે.
ખોડીયાર માતાજીના મંદિરે દર મહિનાની પૂનમના દિવસે, દર રવિવારે અને ખોડિયાર જયંતીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને પ્રસાદીમાં લાપસી, સુખડી, શ્રીફળ, ચુંદડી, ધરાવી મા ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. માતાજીના મંદિરે વહેલી સવારમાં કરવામાં આવતી મહાઆરતીનું અનેરું મહત્વ છે. રોજ સવારે કરવામાં આવતી મહાઆરતીમાં અનેક ભાવિકભક્તો જોડાઈ માતાજીની આરાધનામાં લીન થાય છે.
મા ખોડીયારના મંદિરે આવવા ચાર માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે. મંદિરે આવતા ભાવિકો દિશા સૂચક ચિહ્નોના કારણે સીધા માતાના દ્વાર સુધી પહોંચી જાય છે, મંદિરમાં પ્રવેશવા માટે બે રસ્તા બનાવવામાં આવ્યા છે, એક રસ્તો સીધો મા ખોડીયારના મંદિર સુધી જાય છે, જ્યારે બીજો માર્ગ માતાજીના ચરણે ધરવા શ્રીફળ, હાર અને પ્રસાદની ખરીદી કરવાના બજારમાં જાય છે. જ્યાં લોકો દર્શન પૂર્વે માતાજી માટે થાળની ખરીદી કરે છે. માતાજીને દરરોજ લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. બહારગામથી મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે રાત્રી રોકાણ કરવા સુંદર અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે. જેનું સંચાલન ખોડિયાર ટ્રસ્ટ કરે છે.