તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોના હુમલા વચ્ચે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત રહી અને એક અસરકારક ઢાલ તરીકે કામ કર્યું. ભારતીય અવકાશ એજન્સી ISRO એ જણાવ્યું કે ભારતીય સેટેલાઈટ્સે સશસ્ત્ર દળોને હવામાં આવી રહેલા હથિયારોની સચોટ દિશા અને માર્ગ પ્રદાન કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 9 અને 10 મેની રાત્રે, ભારતની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશતીર’ અને રશિયાથી આયાત કરાયેલ S-400 સિસ્ટમે મળીને એક અદ્રશ્ય ઢાલ બનાવી જેણે પાકિસ્તાની હુમલાઓને ભારતીય નાગરિક અને લશ્કરી લક્ષ્યો સુધી પહોંચે તે પહેલાં જ ઇન્ટરસેપ્ટ કરી દીધા અને તેને નષ્ટ કરી દીધા.
ISRO પાસે 72 સેમી રિઝોલ્યુશનવાળા કેમેરાની નજર
ISROના ચેરમેન વી. નારાયણને જણાવ્યું કે કેવી રીતે ભારતના સેટેલાઈટ્સે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સશસ્ત્ર દળોને મદદ કરી અને તાત્કાલિક ખતરાને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે કહ્યું, ‘આપણા બધા સેટેલાઈટ્સે સંપૂર્ણ ચોકસાઈ સાથે કામ કર્યું. જ્યારે અમે શરૂઆત કરી હતી, ત્યારે અમારા કેમેરાનું રિઝોલ્યુશન 36 થી 72 સેન્ટિમીટરની વચ્ચે હતું. પરંતુ હવે અમારી પાસે ચંદ્ર પર ‘ઓન-ઓર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા’ છે, જે વિશ્વનો સૌથી વધુ રિઝોલ્યુશન કેમેરા છે. આ ઉપરાંત, અમારી પાસે એવા કેમેરા પણ છે જે 26 સેમી રિઝોલ્યુશન સુધીની સ્પષ્ટ તસવીરો બતાવી શકે છે.’