ભાજપે ગુજરાત વિધાનસભામાં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કર્યા બાદ હવે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત કોર સમિતીના સભ્યો હાજર રહેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કેન્દ્ર સરકારના 9 વર્ષના શાસનમાં થયેલા કામો લોકો સમક્ષ રજૂ કરવા અંગેના 9 સાલ બે મિશાલ કેમ્પેઇન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં 9 સાલ બે મિશાલ કેમ્પેઇનમાં આવનારા કેન્દ્રીય મંત્રીઓના કાર્યક્રમો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્યની હાલની રાજકીય અને સામાજિક સ્થિતિને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. ગુજરાત તથા કેન્દ્ર સરકારની યોજનાઓ અને લોકસભા મિશન 2024 પર પણ ચર્ચાઓ કરવામાં આવશે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્ય જે પી નડ્ડા સાથે થયેલી બેઠક બાદ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા કેમ્પેઈન અને શક્તિકેન્દ્રના મેનેજમેન્ટ પર પણ ચર્ચાઓ થશે.
લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના આપી દેવાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષકો, વકીલો, તબીબો, સ્ટાર ખેલાડીઓ, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના આપી દેવાઈ છે. ગુજરાતમાં પણ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોને લોકસભાની ચૂંટણી માટે મહત્વની જવાબદારીઓ સોંપાઈ શકે છે.