બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે
એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિવ ઈન રિલેશનશીપમાં પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમને એક પુત્રી પણ થઇ, પરંતુ લગ્નના ત્રણ વર્ષો બાદ મેઘરાજને રેખા ગાઈન સાથે આંખો ચાર થઈ અને બંને પ્રેમમાં પડ્યા. જે બાદ મેઘરાજ રેખાને પણ પોતાના ઘરે પત્ની તરીકે લઈ આવ્યો હતો. મેઘરાજ જ્યારે રેખાને ઘરે લાવ્યો, ત્યારે કાજલે તેનો વિરોધ નહીં, પણ રેખાને નાની બહેન તરીકે અપનાવી લીધી હતી.
પ્રેમના ખાતર પતિના પ્રેમને પણ કાજલે અપનાવ્યો અને છેલ્લા 12 વર્ષોથી રેખા પણ મેઘરાજ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા માંડી હતી. આટલા વર્ષોમાં ક્યારેય કાજલ અને રેખા એક બીજાની સોતન તરીકે નહીં, પણ પ્રેમથી, સમજથી અને બંને એકબીજાની પૂરક એટલે બહેન બનીને મેઘરાજ સાથે લગ્ન જીવન ખુશીથી જીવી રહી છે.
લગ્ન જીવન દરમિયાન કાજલને એક દીકરી અને એક દીકરો છે, જ્યારે રેખાને એક દીકરો છે. બે પત્ની હોવા છતાં પણ મેઘરાજ બંનેને સરખો પ્રેમ આપીને આજે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યો છે. આદિવાસી સમાજમાં પરંપરાથી બહુપત્નીત્વનો રિવાજ છે. જેમાં પણ આદિવાસી સમાજમાં ઘણા યુગલો જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી લગ્નગ્રંથીથી જોડાયા વિના જ લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. જેના પાછળનું મુખ્ય કારણ તેમની આર્થિક સ્થિતિ હોય છે. પરંતુ લગ્ન વિના પણ તેમનું એક બીજા પ્રત્યેનું કમિટમેન્ટ ઓછું નથી હોતું.