ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. થોડા વર્ષો બાદ દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાની છે. નાણાંકીય વર્ષ 2024-25માં દેશની આયાત અને નિકાસ હરણફાળ ગતિએ વધી રહી છે. આ સાથે સંરક્ષણ નિકાસમાં પણ દર વર્ષે ધરખમ વધારો થઈ રહ્યો છે. 2024.25માં દેશની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમાં અગાઉના વર્ષ 2023-25 કરતા 12.04 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
એક વર્ષમાં સંરક્ષણ નિકાસમાં રૂ.2539 કરોડનો વધારો
નાણાંકીય વર્ષ 2023-24માં 21083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ નોંધાઈ હતી, ત્યારે આ વર્ષે 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે 2023-24ની તુલનાએ 2024-25માં સંરક્ષણ નિકાસમાં 12.04 ટકાનો વધારો થયો છે. આમ દેશના સંરક્ષણ નિકાસમાં ગત વર્ષ કરતા આ વર્ષે 2539 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
વૈશ્વિક માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી
નાણાંકીય વર્ષ 2024-25માં સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (DPSU)એ 42.85 ટકાની સંરક્ષણ નિકાસ નોંધાવી છે. આ ડેટા પરથી કહી શકાય કે, વૈશ્વિક માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશ વૈશ્વિક પુરવઠામાં એક મહત્ત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે.
સંરક્ષણ ક્ષેત્રે DPSU સહિત ખાનગી ક્ષેત્રનો પણ મહત્ત્વનો ફાળો
ભારતે વર્ષ 2024-25માં સંરક્ષણ ક્ષેત્રે રૂ. 23,622 કરોડની નિકાસ કરી છે, જેમાં ખાનગી ક્ષેત્રએ 15233 કરોડ રૂપિયાનું અને ડીપીએસયુનું 8389 કરોડ રૂપિયા યોગદાન નોંધાવ્યું છે. આ પહેલા વર્ષ 2023-24ની સંરક્ષણ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો 15209 કરોડ રૂપિયાનો, જ્યારે ડીપીએસયુનો 5873 કરોડ રૂપિયાનો ફાળો હતો.
સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ સુધી પહોંચશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા હાંસલ કરવા બદલ તમામ હિતધારકોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2029 સુધીમાં સંરક્ષણ નિકાસ 50000 કરોડ રૂપિયા સુધી વધારવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે.