બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૧૦ હજાર કરતા વધુ વસ્તી ધરાવતું અને ૨૦ કરતા વધુ ગામોને હિરા ઉદ્યોગમાં રોજીરોટી આપતું ઉગામેડી ગામ આવેલું છે, ઉગામેડી ગામે આવેલી કેરી નદીના કિનારે ઐતિહાસિક અને પૌરાણિક જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલ આ મહાદેવ મંદિરે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.
ઉગામેડી તેમજ આસપાસના ગામોના ભક્તો વહેલી સવારે મહાદેવને બિલીપત્ર, ફૂલ અને દૂધનો અભિષેક કરી પોતાના ધંધા રોજગારની શરુઆત કરે છે. જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં મહાઆરતી, દિપમાલા, શિવ મહાપુરાણ, મહા પ્રસાદ અને બીજા વિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરે આવતા ભક્તો મહાદેવને સાચા હૃદયથી પ્રાર્થના કરે એટલે મહાદેવજી, હનુમાનજી તમામના દુખ હરી લે છે. અને એટલે જ જડેશ્વર મહાદેવ મંદિર હજ્જારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.
ઉગામેડી ગામે રમણીય વાતાવરણમાં આવેલું જડેશ્વર મહાદેવનું મંદિર અનેક ઈતિહાસ અને ચમત્કારો સાથે જોડાયેલું છે. લોકવાયકા મુજબ પાંડવોના વનવાસ સમયે જ્યારે આ વિસ્તાર હિડમબાવન તરીકે ઓળખાતો હતો ત્યારે પાંડવો અનેક સ્થળોએ ફરતા ફરતા આ વિસ્તારમાં આવ્યા હતા. અર્જુનને દરરોજ શિવ પૂજા કરીને જ જમવાની પ્રતિજ્ઞા હતી એટલે શિવલિંગ શોધતા હતા ત્યારે આ સ્થળે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું અને પાંચેય પાંડવો અને માતા કુંતાએ મહાદેવની પૂજા અર્ચના કરી ભોજન લીધું હતું.
જડેશ્વર મહાદેવ મંદિર સાથે બીજો પણ ઈતિહાસ જોડાયેલો છે, ઉગામેડી ગામના ગ્રામવાસીઓની માન્યતા મુજબ સો થી દોઢસો વર્ષ પહેલા જે સ્થળે મંદિર છે તેની સામેની બાજુ મા ગામ વસેલું હતું અને તે ગામનું નામ સોનામેડી હતું. આ ગામમાં સીતારામ બાપુ નામના સિધ્ધ સાધુ મહાત્મા રોકાયા હતા અને ગામની સામે નદી કિનારે સ્વયંભૂ શિવલિંગની દરરોજ સવારે પૂજાઅર્ચના અને અભિષેક કરતા હતા. સમયાંતરે સીતારામ બાપુએ પહેલાથી ગામમાં બિરાજમાન હનુમાનજીદાદાની શિવલિંગ પાસે સ્થાપના કરવાનું નક્કી કર્યું, પરંતુ અગાઉ ગામ લોકોએ હનુમાનજીદાદાને ફેરવીને શિવલિંગ પાસે સ્થાપના કરવાનું વિચાર્યુ હતું પણ હનુમાનજીદાદા ફરતા ન હતા એટલે સીતારામબાપુએ પોતાની ભક્તિથી હનુમાનજીદાદાને ફેરવ્યા અને શિવલિંગની બાજુમાં સ્થાપના કરી હતી.
સીતારામબાપુ પાસે મોટી સંખ્યામાં ભક્તો સત્સંગ કરતા અને આધ્યાત્મિક ભજન કીર્તન કરતા જડેશ્વર મહાદેવના દર્શને આવતા ભાવિકભક્તોના ધાર્યા કામો થતાં એટલે ઉગામેડી ગામના લોકોએ ભેગા થઈ નાનું મંદિર બનાવેલું. વર્ષો પછી ગામના લોકો નાના મંદિરને મોટુ બનાવ્યુ અને મંદિર પરિસરમાં સ્વર્ગલોક થયેલા સીતારામ બાપુની સમાધી પણ બનાવી.
જડેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ ચમત્કારિક છે. ગામના લોકોની માન્યતા મુજબ આ શિવલિંગ વર્ષો પહેલાં એક ફૂટથી વધારે બહાર હતું. શિવલિંગ દર વર્ષે જમીનમાં ઉતરતુ જાય છે અને વર્ષો જૂનું શિવલિંગ વર્તમાનમાં ઘણુ જમીન ઉતરી ગયું છે જેને ગ્રામવાસીઓ મહાદેવજીનો ચમત્કાર માને છે અને તેમના માટે આ ભૂમી ચેતનવંતી ભૂમી છે.
જડેશ્વર મહાદેવ મંદિરની સામે ઘટાદાર પીપળાનુ વૃક્ષ આવેલું છે. વૃક્ષના થડમાં સિંદૂર લગાવેલો પથ્થર છે તે પથ્થર પહેલા હનુમાનજી દાદાનું ઓશીકું હતો. લગભગ ૭૦ વર્ષ પહેલા ગામના એક ખેડૂતે હનુમાનજી દાદાનું ઓશીકું લઈ પોતાની વાડીમાં આવેલા કુવાના થાળામાં ફીટ કરી દીધુ હતુ. તે ખેડૂતના અવસાન પછી તેના પરિવારને કંઈક સંકેત મળેલો એટલે તે ખેડૂતના દિકરાએ કૂવાના થાળામાં ફિટ કરેલું ઓશીકું કાઢીને જડેશ્વર મહાદેવ મંદિરે મુકીને હનુમાનજીદાદાની માફી માગી હતી. જડેશ્વર મહાદેવ મંદિરના મહંતબાપુએ તે ઓશીકાને પીપળના વૃક્ષની અંદર ફીટ કરી તેને સિંદૂર લગાવી મહાદેવજી અને હનુમાનજીની સાથે તેની પૂજાઅર્ચના શરૂ કરેલી. જેના આજે પણ મંદિરે આવતા દર્શનાર્થીઓ દર્શન કરી ધન્ય થાય છે.
કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા જડેશ્વર મહાદેવ મંદિર સાથે ઉગામેડી અને આસપાસના ગામોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. શિવભક્તો નિયમિત મંદિરે આવી મહાદેવજીને બીલીપત્ર, ફૂલો અને દૂધનો અભિષેક કરી પોતાના જીવનમાં સુખશાંતિ રહેવાની પ્રાર્થના કરે છે અને ભોળાનાથના તેમના દરેક ભક્તો પર સદાય આશીર્વાદ રહે છે. મંદિરે આવતા ગ્રામવાસીઓ દરરોજ આરતીના દર્શનનો લાભ લઈ પોતાના ધંધા રોજગાર પર જાય છે. અને તો કેટલાક ભક્તો જડેશ્વર મહાદેવ મંદિરે રોકાઈને સેવા આપી પોતાને ધન્ય માને છે.
મહાદેવજીના મંદિરે મહાશિવરાત્રીએ ભજન ધૂન, શ્રાવણમાં ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અને લોકમેળામાં ગ્રામવાસીઓ હર્ષોલ્લાસ સાથે જોડાય છે. કેરી નદીના કિનારે ઉગામેડી ગામનું જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આધ્યાત્મ, ભજન, ભોજન અને ચમત્કારથી પ્રચલિત છે અને એટલે જ ઉગામેડી ગામ અને આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર છે.