Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત

મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે યોજાયેલા લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં જળસંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ પરશોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 56.42 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 5.90 કરોડના ખર્ચે રેસકોર્સ સંકુલમાં નવનિર્મિત ‘ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એક્ઝિબિશન હોલ’નું લોકાર્પણ તથા રૂ. 50.51 કરોડના જુદા જુદા 17 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના 6 રસ્તાઓ અને 2 પુલના ખાતમુહૂર્ત અને ખીરસરાથી લોધિકા સુધીના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાને આર્થિક, સામાજિક અને આંતરમાળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા મુખ્યપ્રધાનના હસ્તે માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.112 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 5 રોડ અને 2 પુલનું ખાતમુહૂર્ત તથા 1 રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના ગાડા માર્ગને આધુનિક રસ્તો બનાવવાના રૂ. 6 કરોડથી વધુના કામનો પણ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. 238.11 કરોડના ખર્ચે 66 કે.વી.ના નવા 7 સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ 100 લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ.84.29 કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-1 અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામો સંપન્ન થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાનના કાર્યક્રમ સ્થળે ખાનગી શાળાઓની મનમાનીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મુખ્ય પ્રધાનને રજૂઆત સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સહિત તમામ કાર્યકરોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.