ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે રમાયેલી વનડે શ્રેણીની મેચમાં 231 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેમાં જીતના કેન્દ્રબિંદુમાં રહ્યા ગુજરાતના યુવા વિકેટકીપર-બેટ્સમેન હરવંશ પંગલિયા. લફબરોમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 60 ઓવરમાં 442 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. કેપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી થોડા રન બનાવી બહાર થઈ ગયા બાદ, મધ્યક્રમના બેટ્સમેનોની ચમક જોવા મળી. ખાસ કરીને હરવંશ પંગલિયાએ તોફાની બેટિંગ કરી માત્ર 52 બોલમાં અણનમ 103 રન બનાવ્યા, જેમાં તેણે 8 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. તેની આ ધમાકેદાર ઇનિંગ્સે ભારતના સ્કોરમાં ઝડપી વધારો કર્યો અને ટીમને મજબૂત સ્થાન પર પહોંચાડ્યો.
હરવંશ ઉપરાંત રાહુલ કુમાર (73), કનિષ્ક ચૌહાણ (79) અને આરએસ અંબરીશ (72) રન સાથે મેદાનમાં છવાયા. બોલિંગમાં પણ ભારતે શાનદાર દેખાવ કર્યો. દીપેશ દેવેન્દ્રે 3 વિકેટ ઝડપી તો નમન પુષ્પક અને વિહાન મલ્હોત્રાએ 2-2 વિકેટ લઈને ઈંગ્લેન્ડ યંગ લાયન્સને માત્ર 211 રનમાં ઓલઆઉટ કરી દીધા. આ જીત ભારત માટે એટલી વધુ મહત્વની બની ગઈ કારણ કે વડીલ ભારતીય ટીમ લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ 5 વિકેટથી હારી ગઈ હતી.
હરવંશ પંગલિયાની સફળતા માત્ર મેદાન પૂરતી નથી. મૂળ ગુજરાતનો રહેવાસી અને હાલ કેનેડાના બ્રેમ્પટનમાં વસવાટ કરતો આ યુવાન ક્રિકેટર નીલકંઠ ક્રિકેટ એકેડેમીમાં કોચ નકુલ અયાચી દ્વારા તાલીમ પ્રાપ્ત કરે છે. હરવંશના પિતા કેનેડામાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેમનું જીવન પણ સંઘર્ષમય રહ્યું છે. પરંતુ પોતાના પુત્રના સપનાને સાકાર કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. હરવંશનું સ્વપ્ન છે કે તે ભારતની સિનિયર ટીમ માટે બ્લૂ જર્સી પહેરીને રમી શકે, અને હાલના ફોર્મ અને પ્રતિભાને જોતા એવું લાગે છે કે તે આ સપનાને સાકાર કરવા માટે યોગ્ય દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel