ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સરકારી વિભાગોમાં ભરતી કરવાની તેની મહત્વાકાંક્ષી યોજનાને ફરી એક વખત બળ આપતાં કેન્દ્ર સરકારે પરોક્ષ પ્રવેશ પદ્ધતિ મારફત ૧૭ વરિષ્ઠ અધિકારીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ વિભાગે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ને કોન્ટ્રાક્ટના આધારે સંયુક્ત સચિવ, ડિરેક્ટર્સ અને નાયબ સચિવના સ્તરે છ વિભાગોમાં ખાનગી ક્ષેત્રમાંથી આ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવા જણાવ્યું છે. વર્ષ ૨૦૧૮માં સરકારી વિભાગોમાં ખાનગી સેક્ટરમાંથી નિષ્ણાતોની નિમણૂક શરૂ કર્યા પછી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચોથી વખત આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની પ્રતિભાઓને સરકારી વિભાગોમાં લઈ આવવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે.
સામાન્ય રીતે યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી અખિલ ભારતીય અને ગુ્રપ-એના અધિકારીઓ મારફત સંયુક્ત સચિવો, ડિરેક્ટર્સ અને નાયબ સચિવોના પદો ભરવામાં આવે છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વીજ મંત્રાલય, ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય,નાણાકીય સેવા વિભાગ તથા સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. લેટરલ રિક્રુટમેન્ટ મારફત ચાર સંયુક્ત સચિવો અને ૧૬ ડિરેક્ટર્સ-નાયબ સચિવો સહિત કુલ ૨૦ નિષ્ણાતોની ભરતી કરાની દરખાસ્ત છે. યુપીએસસીએ આ અંગે ૨૦મી મેના રોજ આ બધા જ પદો ભરવા માટે જાહેરાત આપી દીધી છે અને ૧૯ જૂન સુધી અરજી કરી શકાય છે.