તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટનું 18 જુલાઈએ 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમની સ્થિતિ એટલી નાજુક હતી કે તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડોક્ટરો દ્વારા તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક સલાહ આપવામાં આવી હતી, પણ આર્થિક સંસાધનોના અભાવે યોગ્ય સારવાર સમયસર ન મળતા તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
અભિનેતાની પુત્રી શ્રાવંતીએ જાહેર અપીલ કરી હતી કે તેમના પિતાને બચાવવા માટે ₹50 લાખ જેટલી નાણાકીય સહાયની તાતી જરૂર છે. દુઃખદ વાત એ રહી કે ખૂબ પ્રયત્નો છતાં પણ સમયસર ન તો નાણા મળ્યા અને ન તો યોગ્ય ડોનર મળ્યો, જેના કારણે વેંકટની તબિયત સતત બગડતી ગઈ.
ફિશ વેંકટે પોતાના બે દાયકાથી પણ વધુ લાંબા કરિયર દરમિયાન અનેક તેલુગુ ફિલ્મોમાં વિલન અને કોમેડી રોલ્સ દ્વારા ખાસ ઓળખ બનાવી. તેમણે ‘ગબ્બર સિંહ’, ‘અધૂર’, ‘ડીજે ટિલ્લુ’ જેવી સફળ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓ ખાસ કરીને તેલંગાણા ભાષા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.
1971માં આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાં જન્મેલા વેંકટે 2000ની ફિલ્મ ‘સમ્મક્કા સારક્કા’થી ફિલ્મી દૂનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમના અવસાનથી સમગ્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું માહોલ છે અને ઘણા અભિનેતાઓ, દિગ્દર્શકો તેમજ ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમના અવસાનને ઘણાં લોકોએ માત્ર સ્વાસ્થ્ય સમસ્યા નહીં, પણ આર્થિક અસમાનતા અને સમયસર તબીબી સહાય ન મળવાનો ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે.