માર્ગ સલામતી ક્ષેત્રે રાજ્યમાં પરિવહન વિભાગ દ્વારા સર્જાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે આ એવોર્ડ જાહેર કરતાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારી વ્યક્તિઓ અને સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં “રાજકોટ-વાડીનાર ટોલ વે લિમિટેડ”એ સ્વૈચ્છિક વ્યક્તિ/સંસ્થાઓની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ કંપનીએ ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં માર્ગ સલામતી માટે વિવિધ કામગીરી, લોકોમાં જાગૃતિ, ટ્રાફિક નિયમન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને જીવલેણ અકસ્માત ઘટાડવા માટેના પ્રયાસોમાં ઉત્કૃષ્ટ કામગીરી બતાવી હતી. આ યોગદાનના બદલામાં કંપનીના પ્રોજેક્ટ હેડ ધવલ વ્યાસને ગૌરવભેર આ એવોર્ડ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ માત્ર માન્યતા પૂરતો નથી, પરંતુ રાજ્યના માર્ગ સુરક્ષા ક્ષેત્રે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કામગીરીથી માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં અને જનસુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે, જેના માટે આવા યોગદાનકારોને પ્રતિષ્ઠિત સ્તરે બિરદાવવું અનિવાર્ય બને છે.