ઓસ્ટ્રેલિયાની સરકારે સિડનીના મેસોનિક સેન્ટરમાં ખાલિસ્તાનીઓ દ્વારા યોજાનારા કહેવાતા જનમત સંગ્રહના કાર્યક્રમને રદ કરવાનો આદેશ આપી દીધો છે. આ કાર્યક્રમ 4 જૂને યોજાનારો હતો. જનમત સંગ્રહના નામે ફરી એક વખત ભારત વિરોધી દેખાવો કરવા માટે ખાલિસ્તાનીઓ તૈયારીઓ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયન મીડિયાનુ કહેવુ છે કે, વિવાદિત સંગઠન સિખ ફોર જસ્ટિસ દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી હત ત્યારથી સત્તાધીશોને સતત ફરિયાદો અને ધમકીઓ મળી રહી હતી અને તેના કારણે સુરક્ષા એજન્સીઓએ આપેલા અભિપ્રાયના આધારે આ કાર્યક્રમનુ બૂકિંગ રદ કરવામાં આવ્યુ છે.
સિડની મેસોનિક સેન્ટરના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, બૂકિંગના સમયે આ કાર્યક્રમના આયોજન પાછળનો હેતુ અમને સમજાયો નહોતો પણ મેસોનિક સેન્ટર એવી કોઈ પણ ઘટનામાં ભાગીદાર નથી બનવા માંગતુ જેમાં સંભવિત રીતે કોઈ સમુદાયને નુકસાન પહોંચતુ હોય.
મળતી વિગતો પ્રમાણે ધર્મેન્દ્ર યાદવ નામના વ્યક્તિએ આ કાર્યક્રમના પ્રચાર માટે બનાવાયેલા બેનરો અને પોસ્ટરોની ટીકા કરીને ફરિયાદ કરી હતી કે, આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની તેમાં પ્રશંસા કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી રોજ સવારે હિન્દુ વિરોધી નારાઓ સાથેના બેનરો સિખ ફોર જસ્ટિસ સંગઠન દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝે સમક્ષ ખાલિસ્તાનીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઓસી પીએમ અલ્બેનીઝે આવા કટ્ટરવાદી તત્વો સામે ઓસ્ટ્રેલિયા આકરી કાર્યવાહી કરશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ.