હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેર જિલ્લાની મુલાકાતે છે. આજે તેઓ અહીં પુષ્કરમાં આવેલા એકમાત્ર ભગવાન બ્રહ્માના મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમણે પુજા-અર્ચના કરી હતી. PM મોદી ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઘણા શહેરોમાં રેલીઓ યોજશે અને તેમની સરકારના કામકાજ ગણાવશે PM મોદીએ રાજસ્થાનમાં પોતાની રેલીની શરૂઆત પુસ્કરથી કરી… ત્યારબાદ તેઓ અજમેરમાં યોજાનાર રેલીમાં ઉપસ્થિત રહેશે.
અજમેરમાં રેલી દરમિયાન રાજસ્થાન ભાજપના પ્રમુખ સી.પી.જોશીએ વડાપ્રધાન મોદીને સાફો પહેરાવીન સ્વાગત કર્યું હતું. PM મોદીએ તેમના સંબોધન દરમિયાન દેવી અહિલ્યાબાઈ હોલ્કરને પણ શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારબાદ પોતાના 9 વર્ષના કામો ગણાવતા PM મોદીએ વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌકોઈ દેશમાં 2014 પહેલાની સ્થિતિ જાણે છે. અગાઉ મોટા શહેરોમાં દરરોજ હુમલા થતા હતા. મહિલાઓ પર ખૂબ અત્યાચાર થતો હતો. વડાપ્રધાનની ઉપર પણ શાસક હતા. અગાઉના નિર્ણયો લેવાતા ન હતા અને નીતિઓ ફેલ થઈ જતી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું 2014માં પ્રજાના એક મતે વિકાસનો નિર્ણય કર્યો, જેના કારણે જ વિશ્વભરમાં ભારતના વખાણ થઈ રહ્યા છે. આજે વિશ્વના મોટા-મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આજના સમયમાં ભારત ‘અતિ ગરીબી’ને સમાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે, આ પરિવર્તન એક મતથી આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 50 વર્ષ પહેલા કોંગ્રેસે આ દેશને ગરીબી હટાવવાની ગેરંટી આપી હતી, જે કોંગ્રેસે ગરીબો સાથે કરેલું સૌથી મોટો વિશ્વાસઘાત છે. ઉપરાંત મોદીએ કોંગ્રેસ આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગેરંટી આપવાની આ પક્ષની જૂની આદત છે. કોંગ્રેસની નીતિ રહી છે કે, ગરીબોને ગેરમાર્ગે દોરો… ગરીબોને તરસાવો… આના કારણે પણ રાજસ્થાનની પ્રજાએ બહુ મોટું નુકસાન ઉઠાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ અજમેરની રેલીમાં કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની NDA સરકારને કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ભાજપ સરકારના આ 9 વર્ષ દેશવાસીઓની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે.