અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ (Turning Point USA)ના CEO તથા સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે દુર્ઘટનાજનક રીતે હત્યા કરી દેવામાં આવી. તેઓ યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં કાર્યક્રમ દરમિયાન જ તેમને ગોળી મારી દેવામાં આવી. ગોળી વાગતા જ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાએ અમેરિકન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
ચાર્લી કર્ક અમેરિકામાં કન્ઝર્વેટિવ યુવાનોની અવાજ ગણાતા હતા અને તેઓ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેમણે દેશભરમાં અનેક ઇવેન્ટ્સ અને અભિયાન દ્વારા કન્ઝર્વેટિવ મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમની આગેવાની હેઠળ ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ યુવાનોમાં રાજકીય જાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્લેટફોર્મ બની ગયું હતું. કર્કની હત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં તેમણે ઘટનાને અમેરિકા માટે “ડાર્ક મોમેન્ટ” તરીકે વર્ણવી. ટ્રમ્પે સીધા જ વામપંથી કટ્ટરતાને આ પ્રકારની રાજકીય હિંસા માટે જવાબદાર ઠેરવી. તેમણે કર્કને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે કર્ક સાચા દેશભક્ત હતા, જેમણે સત્ય અને સ્વતંત્રતાની લડતમાં પોતાનું જીવન અર્પણ કરી દીધું.
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ, યુનિવર્સિટીમાં કર્કના કાર્યક્રમનો અગાઉથી જ વિરોધ થઈ રહ્યો હતો. અનેક વિદ્યાર્થી સંગઠનો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમ રદ કરવા માટે પિટિશન ચલાવ્યું હતું અને મોટી સંખ્યામાં સાઇનેચર્સ પણ એકત્ર કર્યા હતા. છતાંય યુનિવર્સિટી પ્રશાસનએ કાર્યક્રમ રદ કરવાનો ઇનકાર કર્યો અને તેને મુક્ત અભિવ્યક્તિના અધિકાર સાથે જોડ્યો. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, તેમ છતાં હુમલાખોર ગોળીબારી કરવામાં સફળ રહ્યો.
પોલીસે ઘટનાની તરત જ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં બે સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી, પરંતુ પૂરતા પુરાવા ના મળતાં તેમને બાદમાં મુક્ત કરવામાં આવ્યા. હાલ ફેડરલ અને સ્ટેટ લેવલની તપાસ એજન્સીઓ મળીને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે સુરક્ષાના કડક પગલાં હોવા છતાં હથિયાર કેમ્પસમાં કેવી રીતે લાવવામાં આવ્યું અને શું આ એકલવાયા હુમલાખોરની કૃત્ય હતી કે કોઈ મોટા સંગઠિત ષડયંત્રનો ભાગ.
ઘટનાએ સમગ્ર અમેરિકામાં રાજકીય હિંસા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના સંતુલન અંગે ગંભીર ચર્ચાઓને જન્મ આપ્યો છે. કન્ઝર્વેટિવ વર્તુળોમાં ગુસ્સો અને શોક છવાઈ ગયો છે, જ્યારે લિબરલ જૂથોમાં આ ઘટનાને લઈને મૌન કે સંતુલિત નિવેદનો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કર્કના સમર્થકો તેમને “ફ્રીડમ ફાઇટર” અને “યુવાનોના સાચા માર્ગદર્શક” તરીકે યાદ કરી રહ્યા છે. તેમના અચાનક અવસાનથી અમેરિકાની કન્ઝર્વેટિવ રાજનીતિમાં એક મોટું ખાલીપો ઊભું થયું છે, કારણ કે કર્ક માત્ર રાજકીય નેતા જ નહીં પરંતુ અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર અમેરિકા ખાતે રાજકીય ધ્રુવીકરણ અને વધતી હિંસાની ચિંતાઓને આગળ લાવી છે. આગામી દિવસોમાં તપાસની દિશા અને કાનૂની કાર્યવાહીથી આ કેસ કઈ રીતે આગળ વધે છે તે જોવા જેવું રહેશે, પરંતુ હાલ માટે અમેરિકા એક મોટા આઘાતમાંથી પસાર થઈ રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel