હવેથી ડોકટરો તેમના દર્દીઓને મોંઘી દવા લખી શકશે નહીં. દર્દીઓને મોંઘી દવાઓ લખતા ડોકટરો ઉપર તવાઈ આવશે. કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે ડોક્ટરોને કડક ચેતવણી આપી છે કે દર્દીઓને બહારથી મોંઘી દવા લખી ન આપે. દવાઓમાંથી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત જેનેરિક દવાઓ લખવી જોઈએ. જો કોઈ તબીબ સરકારની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો ક્યારેક દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. તેને ખરીદવી દરેક વર્ગના દર્દીની ક્ષમતા નથી હોતી. આવી સ્થિતિમાં તેમના માટે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. જેને જોતા સરકારે મોંઘી દવાઓ લખવાની ના પાડી દીધી છે.
મળતી માહિતી મુજબ, સરકારે ડોક્ટરોને માત્ર બહારથી જેનરિક દવાઓ લખવાની છૂટ આપી છે. કોઈ પણ ડૉક્ટર બહારથી દર્દીને મોંઘી દવા લખી શકતા નથી. જો કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તબીબો કમિશન ખાતર દર્દીના સ્વાસ્થ્ય સાથે રમી શકતા નથી.
જો કે, આ જેનરિક દવા લખવાનો એક હેતુ એ છે કે, સરકાર દેશમાં સસ્તી જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. જેનરિક દવાઓ દરેક જગ્યાએ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવી જોઈએ. જેથી કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સસ્તી સારવાર કરાવી શકે.
નોંધનીય છે કે, જેનરિક દવાઓ માટે દેશના લગભગ તમામ રાજ્યો અને શહેરોમાં જન ઔષધિ કેન્દ્રો છે. જ્યાં લોકોને સરળતાથી સસ્તા ભાવે જીવનરક્ષક દવાઓ મળી રહે છે. આવી સ્થિતિમાં દરેક દર્દી સસ્તી દવા દ્વારા પોતાની સારવાર કરાવી શકે છે.