રામ મંદિર તૈયાર થવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાથી આવી રહેલા આ સમાચાર દરેક વ્યક્તિ માટે આનંદની વાત હોઈ શકે છે. જે રામ મંદિરનું ઉદ્ઘાટન પોતાની આંખોથી જોવા માંગે છે. હકીકતમાં અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં જાન્યુઆરી સુધીમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને પીએમ નરેન્દ્ર મોદીને મંદિરમાં રામલલાના અભિષેક માટે બોલાવવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ વિશે માહિતી આપતાં મંદિર ટ્રસ્ટ કાઉન્સિલના અધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, સૌએ નક્કી કર્યું છે કે 7 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠાની પૂજાનું આયોજન કરવામાં આવશે.
જો કે પહેલા લોકો તેને એક મહિના માટે રાખવા માંગતા હતા, પરંતુ હવે બધાએ નક્કી કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા પૂજન ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 11 દિવસ રાખવામાં આવશે. રાયે કહ્યું કે હજુ કોઈ અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો નથી અને અમે હજુ પણ જ્યોતિષીઓ સાથે વાત કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, સાત જ્યોતિષીઓ પાસેથી સલાહ લેવામાં આવી છે. રાયે જણાવ્યું હતું કે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા જાન્યુઆરીમાં 26મી તારીખ પહેલાં શક્ય તેટલી વહેલી તકે અયોધ્યાની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બર સુધીમાં મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પાંચ મંડપ તૈયાર થઈ જશે. આ સાથે આસપાસની કામગીરી પણ પૂર્ણ થશે. એટલે કે પ્રથમ તબક્કાનું કામ 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. ત્રણ તબક્કામાં નિર્માણ થનાર રામ મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે જે કામ 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે, તેમાં ગર્ભગૃહનો પણ સમાવેશ થાય છે, જ્યાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવાની છે.
મંદિરના આગામી તબક્કાઓ વિશે માહિતી આપતા મિશ્રાએ કહ્યું કે, મંદિરના પહેલા અને બીજા માળનું કામ આવતા વર્ષ એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ દરમિયાન મંદિરની દિવાલનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. જો કે આ વર્ષના અંત સુધીમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને ભક્તો તેના દર્શન પણ કરી શકશે. જ્યારે મંદિર સમિતિના અધ્યક્ષને પૂછવામાં આવ્યું કે આખું રામ મંદિર ક્યારે તૈયાર થશે તો તેમણે જવાબ આપ્યો કે ડિસેમ્બર 2025 સુધીમાં આખું રામ મંદિર બની જશે.