નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે અર્થતંત્ર ૭.૨ ટકાના દરે વિકસ્યા પછી નવા નાણાકીય વર્ષમાં પણ વૃદ્ધિ ચાલુ રહી હોવાના સંકેત મળ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી કરની માસિક સરેરાશ આવક રૂ.૧.૫૧ લાખ કરોડ હતી તેની સામે એપ્રિલના વેચાણના આધારે મે મહિનામાં એકત્ર કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કુલ આવક રૂ.૧,૫૭,૦૯૦ કરોડ રહી છે. આ ટેક્સ કલેક્શન મે ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધારે હોવાનું નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. જુલાઈ ૨૦૧૬માં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના પરોક્ષ કરવેરા ભેગા કરી અમલમાં આવેલા જીએસટીની આવક આ સમયગાળામાં કુલ પાંચ વખત રૂ.૧.૫૦ લાખ કરોડ કરતા વધારે રહી છે.
ઉત્પાદકો અને રિટેલ વેચાણની પ્રક્રિયા નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં તીવ્ર રીતે વધે છે. આ કારણોસર માર્ચના વેચાણ અને તેના આધારે એપ્રિલમાં ભરવામાં આવેલા જીએસટીની આવક રૂ.૧.૮૭ લાખ કરોડની સર્વકાલીન ઉંચી સપાટીએ રહી હતી. એપ્રિલ મહિનાની સરખામણીએ જીએસટીની આવકમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મે મહિનામાં કેન્દ્રીય સ્તરે વસૂલવામાં આવતા સીજીએસટીની આવક રૂ.૨૮,૪૧૧ કરોડ રહી છે. રાજ્ય સ્તરે લાદવામાં આવેલા એસજીએસટીની આવક રૂ.૩૫,૮૨૮ કરોડ અને આંતરરાજ્ય કે આયાત ઉપરના આઈજીએસટીની આવક રૂ.૮૧,૩૬૩ કરોડ રહી છે એમ નાણા મંત્રાલયની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ કરની આવકમાં રૂ.૪૧,૭૭૨ કરોડ આયાત ઉપર અને રૂ.૧૧,૪૮૯ કરોડ સેસ તરીકે વસુલવામાં આવ્યા છે. આ યાદી અનુસાર, આયાત ઉપર જીએસટી કરની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધી છે જયારે સ્થનિક વપરાશ ઉપર કરની આવક ૧૧ ટકા જેટલી વધી છે.
દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મે મહિનામાં ગત વર્ષની સરખામણીએ કરની આવકમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે, સ્થાનિક રીતે હિંસા અને કર્ફ્યુંના કારણે મણીપુર રાજ્યની જીએસટીની આવકમાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત, પંજાબમાં પાંચ ટકા અને છત્તીસગઢમાં પણ ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી એ વપરાશ સમયે ઉઘરાવતો ટેક્સ છે. મોટા રાજ્યોમાં મે મહિનામાં મહારાષ્ટ્રની જીએસટીની આવક ૧૬ ટકા વધી રૂ.૨૩,૫૩૬ કરોડ, કર્ણાટક ૧૨ ટકા વધી રૂ.૧૦,૩૧૭ કરોડ,ગુજરાત પાંચ ટકા વધી રૂ. ૯,૮૦૦ કરોડ તમિલ નાડુ ૧૩ ટકા વધી રૂ.૮,૯૫૩ કરોડ અને ઉત્તર પ્રદેશ ૧૨ ટકા વધી રૂ.૭૪૬૮ કરોડ રહી છે.
કેન્દ્ર સરકાર આઈજીએસટીમાંથી થોડો હિસ્સો પોતાની પાસે રાખે છે અને બાકીનો રાજ્યમાં વિતરિત કરે છે. મેં મહિનામાં કેન્દ્ર સરકારે આઈજીએસટીમાંથી રૂ.૨૯,૭૬૯ કરોડ રાજ્યને આપી રૂ.૩૫,૩૬૯ કરોડ પોતાની પાસે રાખ્યા છે. આ વિતરણ પછી કેન્દ્ર સરકારની જીએસટીની કુલ આવક રૂ.૬૫,૫૯૭ કરોડ રહી છે જ્યારે રાજ્યોની કુલ આવક રૂ.૬૩,૭૮૦ કરોડ થઇ છે.