માર્ચ ત્રિમાસિકના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી) વૃદ્ધિના આંકડા પ્રોત્સાહક આવ્યા બાદ સમાપ્ત થયેલા મે મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ૩૧ મહિનાની ટોચે જોવા મળતા દેશના અર્થતંત્રમાં રિકવરી મજબૂત હોવાના સંકેત મળી રહ્યા છે. માર્ચ ત્રિમાસિક ઉપરાંત ગયા સંપૂર્ણ નાણાં વર્ષ માટે પણ દેશનો આર્થિક વિકાસ દર અંદાજ કરતા ઊંચો રહ્યો છે.
એશિયા વિસ્તારમાં મેના ટોચના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)માં ભારતનો ક્રમ પ્રથમ રહ્યો છે જ્યારે થાઈલેન્ડ બીજા ક્રમે છે.
સમાપ્ત થયેલા મેમાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ એપ્રિલના ૫૭.૨૦ની સરખામણીએ વધીને ૫૮.૭૦ સાથે ૩૧ મહિનાની ટોચે રહ્યો છે. ઓકટોબર, ૨૦૨૦ બાદ મેનો પીએમઆઈ સૌથી ઊંચો રહ્યો છે, એમ પીએમઆઈ તૈયાર કરનાર એસએન્ડપી ગ્લોબલના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ૫૮.૨૦ સાથે થાઈલેન્ડ બીજા ક્રમે રહ્યું છે.
કામકાજ વધવાને પરિણામે ઉત્પાદન એકમોમાં રોજગાર વૃદ્ધિ પણ છ મહિનાની ઊંચી સપાટીએ રહી હતી.
માગની સ્થિતિ પણ જોરદાર રહી છે અને ગયા મહિને ફેકટરીઓને ઓર્ડરની માત્રા જાન્યુઆરી ૨૦૨૧ બાદ સૌથી ઊંચી રહી છે. વેચાણમાં વધારો થતાં ઉત્પાદન એકમોમાં રોજગાર તથા ઉત્પાદનમાં વધારો થયો છે.
જે કંપનીઓના સર્વે કરાયા હતા તેમાં પૂરવઠા-સાંકળમાં સુધારો થયાનું તથા કાચા માલની સતત ખરીદીને કારણે ઈન્વેન્ટરીમાં વધારો જોવા મળ્યો છે. નવા વેપારને લઈને આશાવાદ પણ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.
નવા ઓર્ડર્સમાં નિકાસ ઓર્ડર્સને કારણે પણ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય વેચાણમાં કંપનીઓએ ઝડપી વિસ્તરણ દર્શાવ્યું છે. માગને કારણે ફુગાવામાં વધારો નેગેટિવ માનવામાં આવે છે કારણ રે તેનાથી ખરીદ શક્તિ પર અસર પડે છે, જે અર્થતંત્ર માટે પડકારરૂપ બની શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.