રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક સમારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ માહિતી રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે આપી હતી. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવાન રામની મૂર્તિ વિશે જાણકારી આપતા ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિમાં ભગવાનની મૂર્તિના અભિષેક સમારંભ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવશે. શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસના વડપણ હેઠળ મોકલવામાં આવનાર પત્રમાં વડાપ્રધાન પાસેથી ડિસેમ્બરથી જાન્યુઆરી ૨૬ વચ્ચેનો સમય માંગવામાં આવશે.
આ સાથે જ ટ્રસ્ટના ૧૧ સભ્યોની યોજાયેલી બેઠક બાદ જાણકારી આપવામાં આવી હતી કે, મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ, તેના ટેસ્ટિંગમાં લગભગ ૨ મહિના જેટલો સમય લાગશે. મંદિરને ડિસેમ્બર સુધીમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ચંપત રાયે ભગવાન રામની મૂર્તિના અભિષેક વિશે વધુમાં જણાવ્યું કે, ગર્ભગૃહમાં રામલલાના અભિષેક માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ યોગ્ય તિથિ માટે જયોતિષોની સલાહ લેતા હોવાની તેમણે જાણકારી આપી હતી. અભિષેક બાદ પૂરા દેશમાં ૭ દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવશે.