દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્યેય ભારતને ભવિષ્યમાં, ખાસ કરીને 2036ના ઑલિમ્પિક્સ માટે તૈયાર કરવાનો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ 102 એકર જમીન પર ફેલાયેલી આધુનિક સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલ મથકો, તાલીમ કેન્દ્રો, ખેલાડીઓ માટે રહેઠાણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હાલમાં આ પ્રોજેક્ટ પ્રારંભિક સમીક્ષા તબક્કામાં છે અને હજુ સુધી સ્ટેડિયમ તોડવાની અથવા નવા નિર્માણની કોઈ નિશ્ચિત તારીખ નક્કી કરવામાં આવી નથી. અધિકારીઓ વિવિધ વિકલ્પો અને માળખાકીય માપદંડો પર વિચારણા કરી રહ્યા છે. તેની સાથે, મંત્રાલયની એક વિશેષ ટીમ કતાર, ઑસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલોનો અભ્યાસ કરી રહી છે, જેથી ભારતમાં પણ આધુનિક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત ખેલ શહેરની રચના કરી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો પ્રોજેક્ટ માત્ર સ્ટેડિયમના રીડેવલપમેન્ટ સુધી મર્યાદિત નહીં રહે, પણ તેમાં સ્પોર્ટ્સ વિલેજ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, તેમજ ખેલાડીઓ અને પ્રશંસકો માટે આધુનિક જાહેર પરિવહન કનેક્ટિવિટી અને ગ્રીન ઝોનનો સમાવેશ કરવામાં આવશે.
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનું નિર્માણ 1982ની એશિયન ગેમ્સ માટે કરવામાં આવ્યું હતું, જ્યારે 2010ની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેનું વિશાળ રિનોવેશન કરવામાં આવ્યું હતું. 60,000થી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ માત્ર એથ્લેટિક્સ માટે જ નહીં, પરંતુ ફૂટબૉલ, સંગીત કાર્યક્રમો અને રાષ્ટ્રીય સ્તરના સમારંભો માટે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
હવે, લગભગ ચાર દાયકાથી વધુ જૂના આ ઐતિહાસિક સ્ટેડિયમને આધુનિક રૂપ આપવાની યોજના સાથે ભારત સરકારે “સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને નવી દિશા આપવાનો” પ્રયાસ શરૂ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એકવાર અંતિમ મંજૂરી મળી જાય બાદ રિડેવલપમેન્ટ પ્રોસેસ શરૂ થશે, પરંતુ તેમાં હજુ થોડો સમય લાગી શકે છે.
જો આ યોજના પૂર્ણ થાય છે, તો દિલ્હીનું નવું સ્પોર્ટ્સ સિટી ભારતનું સૌથી અદ્યતન અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું કેન્દ્ર બનશે — જે માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ દેશના રમતગમત ક્ષેત્ર માટે એક માઈલસ્ટોન સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel