સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયું છે અને તે સંસ્થાનવાદી સમયનું પ્રતિબિંબ પાડે છે.’ તેમ કહેતાં યુનો સ્થિત ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે જણાવ્યું હતું કે, તે નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે. પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી.
બ્રાઝિલ, ભારત, દક્ષિણ, આફ્રિકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનડીન્સે ગુરૂવારે બોલાવેલી યુનોની સલામતી સમિતિની ‘ગોળમેજી પરિષદ’માં બોલતા કમ્બોજે કહ્યું હતું કે, સલામતી સમિતિનું વર્તમાન સ્વરૂપ પરસ્પર સંકલિત અને બહુધ્રુવીય જગત સાથે બંધ બેસે તેવું રહ્યું નથી. વાસ્તવમાં આ કાઉન્સિલનું માળખું એક અલગ યુગમાં જ ઘડાયું હતું તેમાં નવી ઉભરી રહેલી શક્તિઓનું પ્રતિબિંબ પડતું નથી. બદલાઈ રહેલી ભૂ-રાજકીય પરિસ્થિતિની ઉપેક્ષા કરવામાં આવે છે, અને વધુ ન્યાયિક તથા વધુ સમાનતાવાળી વૈશ્વિક વ્યવસ્થા માટે આકાંક્ષા સેવી રહેલા રાષ્ટ્રોની ઉપેક્ષા કરાઈ રહી છે.
વાસ્તવમાં આ ‘ગોળમેજી’ પરિષદ આજના સમયની ભૂરાજકીય વાસ્તવિકતાઓને દ્રષ્ટિમાં રાખી વૈશ્વિક દક્ષિણના પ્રશ્નોના ઉકેલ માટે યોજવામાં આવી છે તેમાં બોલતા ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે સરહદો પાર જઈ રહેલા અભૂતપૂર્વ પડકારોને પણ તેઓના વાસ્તવમાં ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ કહ્યું : ઋતુ પરિવર્તન, ત્રાસવાદ, મહામારી અંતે માનવતાની કટોકટી તે સમાન જવાબદારી ઉઠાવી સામુહિક પ્રયત્નોથી હલ કરવાનો સમય આવી ગયો છે. તેથી સર્વેએ પોતાના સંશાધનો પારસ્પરિક સહકારમાં કામે લગાડવા પડશે. પોતાની તજજ્ઞાતાઓનો સામુહિક ઉપયોગ કરવો પડશે. તો જ આપણે તે ઉકેલ એકતા અને પ્રયત્નોથી લાવી શકીશું.
આ સાથે કમ્બોજે ફરી એકવખત યુનોની સલામતી સમિતિમાં પરિવર્તન કરવાની માંગણી કરી હતી. તેઓએ કહ્યું યુદ્ધ તો એક ઇતિહાસ બની રહ્યું છે તેવી જ રીતે આ ખંડમાં બેઠેલા કેટલાક સભ્યોના પ્રભાવ અને ક્ષમતા પણ ઇતિહાસ બની રહ્યા છે. મારું તો સ્પષ્ટ મંતવ્ય છે કે, સલામતી સમિતિનું વર્તમાન માળખું વિકૃત અને નીતિવિહોણું બની ગયું છે. વૈશ્વિક દક્ષિણના ઘણા (રાષ્ટ્રો) વર્તમાન સલામતી સમિતિને વીતેલા વર્ષોના સંસ્થાનવાદી માનસના પ્રતિબંબ સમાન માને જ છે.