મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બોમ્બ અને હથિયારોથી સજ્જ શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કરતાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગ ગામમાં તૈનાત રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ જવાબી કાર્યવાહી કરી, બંને પક્ષો વચ્ચે ચાર કલાકથી વધુ ગોળીબાર ચાલ્યો અને ત્યારબાદ આતંકવાદીઓ નજીકની પહાડીઓ તરફ નાસી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોને ઇમ્ફાલની પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન અને રાજ મેડિસિટીમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બે ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં બિષ્ણુપુર જિલ્લાના પોમ્બીખોકમાં પણ હુમલાના સમાચાર આવ્યા છે. જો કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.