મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓને મજબૂત બનાવવાની સાથે જળ વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે એક રોલ મોડેલ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે. આ વર્ષ દરમિયાન રાજ્યના જળ સંસાધનોમાં કુલ 92.97 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD)નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પાણીના ટ્રાન્સમિશન નેટવર્કમાં 528.35 કિમીનો નોંધપાત્ર વિસ્તારો ઉમેરાયો છે. આ વિકાસથી શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠાની ક્ષમતા વધશે અને ભવિષ્યની માંગને પહોંચી વળવામાં સહાય મળશે.
રાજ્યના દરેક નાગરિકને દરરોજ સલામત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ‘મિશન ડેઇલી વોટર સપ્લાય’ અમલમાં મૂકવામાં આવ્યું છે. હાલ ગુજરાતના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. બાકીના શહેરોમાં પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે, જેમાં 30 શહેરોમાં વિવિધ યોજનાઓ હેઠળ કામ પ્રગતિમાં છે, જ્યારે અન્ય 32 સ્થાનિક સંસ્થાઓમાં દરરોજ પાણી પુરું પાડવા માટે આયોજનબદ્ધ આર્થિક તથા ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ મિશનના અમલથી શહેરી વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિમાં સમાનતા લાવવાનો અને અનિયમિત પુરવઠાની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પાણી વિતરણને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે રાજ્યના મહાનગરોમાં અદ્યતન SCADA (Supervisory Control and Data Acquisition) સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ પાઈપલાઈનમાં થતી લીકેજની તાત્કાલિક ઓળખ કરી શકે છે, જેના કારણે નુકસાન અટકાવી શકાય છે. સાથે જ, દરેક વિસ્તારમાં સમાન દબાણ સાથે પાણી પહોંચે તે સુનિશ્ચિત થાય છે અને Non-Revenue Water (NRW) એટલે કે બિનજરૂરી પાણી બગાડમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. SCADA દ્વારા પમ્પિંગ સ્ટેશન અને વાલ્વની રિયલ-ટાઇમ મોનિટરિંગ થવાથી સમગ્ર સિસ્ટમ પર સતત નજર રાખી શકાય છે.
આ સુધારેલી જળ વ્યવસ્થાનો સીધો લાભ શહેરી નાગરિકોને મળી રહ્યો છે. દરરોજ પાણી ઉપલબ્ધ થવાથી હવે લોકોને લાંબા સમય માટે પાણી સંગ્રહ કરવાની જરૂર નહીં રહે, જેના કારણે અન્ય વૈકલ્પિક જળ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. પરિણામે નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો થશે અને આરોગ્ય તથા સ્વચ્છતાના ધોરણોમાં પણ સુધારો આવશે. સમગ્ર રીતે જોવામાં આવે તો ‘મિશન ડેઇલી વોટર સપ્લાય’ અને ટેકનોલોજી આધારિત જળ વ્યવસ્થાપન ગુજરાતના સુગઠિત અને ટકાઉ શહેરી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય કરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel