અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયેલા લાખો યુવાનો માટે કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન સૌથી મોટું લક્ષ્ય છે. ચાર વર્ષની સેવાના અંતે સેનામાં કાયમી નિમણૂક મેળવવાની આશા સાથે સેવા આપતા આ યુવાનોના અંગત જીવનને સ્પર્શતો એક મહત્વપૂર્ણ નવો નિયમ હવે ભારતીય સેનાએ જાહેર કર્યો છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે કાયમી સૈનિક બનવા ઈચ્છતા અગ્નિવીરોને કાયમી નિમણૂક મળ્યા સુધી લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ અગ્નિવીર ચાર વર્ષની સેવા દરમિયાન અથવા કાયમી સૈનિક બનવાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં લગ્ન કરે છે, તો તેને કાયમી સેવામાં અયોગ્ય ગણવામાં આવશે. આવા અગ્નિવીરો કાયમી સેવા માટે અરજી કરી શકશે નહીં કે પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. આ નવા નિયમ બાદ અગ્નિવીરોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે, ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ આખરે ક્યારે લગ્ન કરી શકશે, જેથી સેનામાં કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન પણ પૂર્ણ થાય અને અંગત જીવનમાં પણ આગળ વધી શકાય.
સેનાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે નવા નિયમ મુજબ અગ્નિવીર ભારતીય સેનામાં કાયમી નિમણૂક મળ્યા બાદ જ લગ્ન કરી શકશે. એટલે કે ચાર વર્ષની સેવા પૂરી થયા પછી પણ, જ્યાં સુધી કાયમીકરણની અંતિમ યાદી જાહેર ન થાય ત્યાં સુધી લગ્ન કરવાને લઈને પ્રતિબંધ રહેશે. જોકે, આ માટે બહુ લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે. ચાર વર્ષની સેવા પૂર્ણ થયા બાદ કાયમીકરણની સમગ્ર પ્રક્રિયા સામાન્ય રીતે ચારથી છ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અગ્નિવીરોને અરજી કરવી પડશે અને ત્યારબાદ શારીરિક તંદુરસ્તી, લેખિત પરીક્ષા તથા અન્ય માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગ્નિવીર યોજના વર્ષ 2022માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ ભરતી કરાયેલી પ્રથમ બેચની ચાર વર્ષની સેવા હવે પૂર્ણ થવાના આરે છે. 2022 બેચના અગ્નિવીરોનો સેવાકાળ જૂન-જુલાઈ 2026ની આસપાસ પૂર્ણ થશે. અંદાજ મુજબ આ પ્રથમ બેચમાં આશરે 20,000 જેટલા યુવાનો સામેલ હતા. આમાંથી લગભગ 25 ટકા અગ્નિવીરોને જ ભારતીય સેનામાં કાયમી સૈનિક બનવાની તક મળશે. પસંદગી સંપૂર્ણપણે યોગ્યતા, પ્રદર્શન અને શિસ્તના આધારે કરવામાં આવશે.
સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અગ્નિવીર કાયમી નિમણૂકની પ્રક્રિયા દરમિયાન લગ્ન કરે છે, તો તેને કાયમી સેવાની રેસમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવશે, ભલે તેની લાયકાત કેટલીય સારી કેમ ન હોય. તેથી તમામ અગ્નિવીરોને આ નિયમને ગંભીરતાથી સમજવા અને તેનો કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે, એકવાર અગ્નિવીર કાયમી સૈનિક તરીકે પસંદ થઈ જાય અને સેનામાં નિયમિત રીતે જોડાઈ જાય, ત્યારબાદ તેમને લગ્ન કરવા માટે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. કાયમી નિમણૂક મળ્યા પછી તેઓ પોતાની ઇચ્છા અને સુવિધા મુજબ લગ્ન કરી શકશે અને આ પ્રતિબંધ આપોઆપ સમાપ્ત થઈ જશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel