રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા AI Summit 2026 દરમિયાન હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. AI આધારિત નવી MRI મશીન માત્ર 30 થી 45 મિનિટમાં કેન્સર શોધી કાઢવાનો દાવો કરે છે. આ નવીન ડિવાઇસ રજૂ કરતાં Wiproની ચીફ ટેક્નિકલ ઓફિસર સંધ્યા અરુણે જણાવ્યું કે AI દ્વારા સંચાલિત આ મશીન કેન્સરનું વહેલું નિદાન કરી સારવાર વધુ ઝડપી, ચોક્કસ અને ખર્ચમાં સસ્તી બનાવી શકે છે.
આરોગ્ય ક્ષેત્રમાં AIનું વધતું મહત્વ
હેલ્થકેર સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. AI Summit દરમિયાન રજૂ થયેલી આ MRI મશીને ખાસ કરીને પેટ સંબંધિત બીમારીઓ અને કેન્સરને સમયસર ઓળખવામાં મદદરૂપ હોવાનું જણાવાયું છે. ઘણીવાર કેન્સરનું નિદાન મોડું થવાને કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે, પરંતુ આ ટેક્નોલોજી વહેલા સ્ટેજમાં જ બીમારી ઓળખી શકે છે, જેથી સારવાર વધુ અસરકારક બને છે.
કેવી રીતે કામ કરે છે AI MRI મશીન?
આ AI આધારિત રોબોટિક MRI મશીન પહેલા દર્દીના શરીરનું સ્કેન કરે છે અને સ્કેનનું પરિણામ રિયલ-ટાઇમ સ્ક્રીન પર દેખાડે છે. AI એલ્ગોરિધમ્સ સ્કેનમાં ટ્યુમર અથવા અસામાન્યતા શોધીને તરત વિશ્લેષણ કરે છે અને ડોક્ટરને ચોક્કસ માહિતી આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર આખું સ્કેન અને રિપોર્ટ 30–45 મિનિટમાં તૈયાર થઈ શકે છે.
આ નવી ડિવાઇસમાં ચાર અલગ-અલગ રોબોટિક આર્મ આપવામાં આવ્યા છે, જેના કારણે માત્ર પેટ જ નહીં પરંતુ આખા શરીરનું સ્કેન પણ શક્ય બને છે. મિડ-બોડી સહિત શરીરના વિવિધ ભાગોનું ચોક્કસ નિદાન આ મશીન દ્વારા સરળ બનશે.
મશીનના અન્ય મહત્વપૂર્ણ ફાયદાઓમાં સ્કેન સમય લગભગ 37 ટકા સુધી ઓછો થવાનો અને હીલિયમનો ઉપયોગ લગભગ 75 ટકા સુધી ઘટાડવાનો સમાવેશ થાય છે. આથી આરોગ્ય સેવાઓ વધુ ઝડપી અને સસ્તી બની શકે છે. વહેલા નિદાનથી દર્દીને ગંભીર સ્થિતિથી બચાવી શકાય અને ઘણીવાર સર્જરીની જરૂર પણ ઘટી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel