મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. અદાલત મુજબ, વિવિધ પર્સનલ લો વચ્ચે ઊભી થતી અસમાનતાને દૂર કરવા માટે વિધાનસભાએ આ મુદ્દે વિચારવું જોઈએ.
વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા પર કામ કરવું જોઈએ
સુનાવણી દરમિયાન જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ જણાવ્યું કે પર્સનલ લોને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ સર્જવી યોગ્ય નથી. તેના બદલે આ મુદ્દાને કાયદાકીય વિવેક પર છોડી દેવું વધુ યોગ્ય રહેશે જેથી વિધાનસભા યુનિફોર્મ સિવિલ કોડ અંગે કાયદો બનાવી શકે. અદાલતે નોંધ્યું કે પર્સનલ લો સંબંધિત અનેક મુદ્દાઓ સમાજમાં અસમાનતા અને કાનૂની ગૂંચવણો ઉભી કરે છે.
ત્રણ જજોની બેન્ચે આપ્યું સૂચન
આ મામલે ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચ સુનાવણી કરી રહી હતી. અદાલતે જણાવ્યું કે પર્સનલ લો ના કારણે ઊભી થતી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
તમામ મહિલાઓ માટે સમાન અધિકાર જરૂરી
મુસ્લિમ મહિલાઓને સમાન ઉત્તરાધિકાર અધિકારો આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર અદાલતે કહ્યું કે દેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો સૌથી અસરકારક રસ્તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો છે. અદાલતે ઉલ્લેખ કર્યો કે હાલ કેટલાક પર્સનલ લો હેઠળ મહિલાઓને સમાન અધિકાર મળતા નથી, જેના કારણે ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને પડકાર ઉભો થાય છે.
અરજીમાં સુધારો કરવાની સલાહ
સુનાવણી દરમિયાન અદાલતે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણને અરજીમાં સુધારો કરવા પણ કહ્યું. અરજીમાં મુસ્લિમ પર્સનલ લો (Shariat) Application Act, 1937ને પડકારવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ મહિલાઓને ઉત્તરાધિકારના અધિકારોમાં ભેદભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મુદ્દો માત્ર 1937ના કાયદાનો નથી પરંતુ ભારતીય મહિલાઓના અધિકારો સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
વકીલ પ્રશાંત ભૂષણે અદાલતને ખાતરી આપી કે તેઓ અરજીમાં જરૂરી સુધારા કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એ કેસને મુલતવી રાખતા અરજદારોને સુધારેલી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે.
દેશમાં સમાન નાગરિક સંહિતા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ફરી એકવાર રાજકીય અને કાનૂની ચર્ચાનો કેન્દ્ર બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel