ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપવા માટે નવી ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા અંતર્ગત પાર્સલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની આગામી દિવસે ડિલિવરી (Next-Day Delivery) સુનિશ્ચિત કરવામાં આવશે. આ નવી સેવા નવી દિલ્હીમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.
17 માર્ચે નવી દિલ્હીમાં થશે લોન્ચ
આ નવી સેવા 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા રેડિયો ભવનના રંગ ભવન ઓડિટોરિયમમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સંચાર રાજ્ય મંત્રી ચંદ્ર શેખર પેમ્માસાની હાજર રહેશે. ઉપરાંત ટપાલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પ્રથમ તબક્કામાં છ મોટા શહેરોમાં ઉપલબ્ધ
પ્રથમ તબક્કામાં ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા દેશના છ મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. તેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ શહેરોમાં મોકલાયેલા પાર્સલ અને દસ્તાવેજોને આગામી દિવસે પહોંચાડવાની ખાતરી આપવામાં આવશે.
નવી સેવા હેઠળ ‘24’ અને ‘48’ સ્પીડ પોસ્ટ સેવાઓ અનુક્રમે D+1 અને D+2 ડિલિવરી સમયરેખા પર કાર્ય કરશે. આ માટે સમર્પિત પ્રોસેસિંગ વિન્ડોઝ તેમજ પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. પરિણામે ગ્રાહકોને વધુ ઝડપી અને સમયસર ડિલિવરી સેવા મળશે.
ગ્રાહકોને મળશે ડિજિટલ સુવિધાઓ
આ નવી સેવાઓમાં અનેક આધુનિક ડિજિટલ સુવિધાઓ પણ આપવામાં આવશે. તેમાં OTP આધારિત સુરક્ષિત ડિલિવરી, SMS એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, બિઝનેસ ગ્રાહકો માટે Buy Now Pay Later (BNPL) સુવિધા, બલ્ક બુકિંગ માટે મફત પિકઅપ, API ઈન્ટિગ્રેશન અને સેન્ટ્રલાઈઝ્ડ બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે જો ડિલિવરીમાં વિલંબ થાય તો ગ્રાહકોને પૈસા પરત આપવાની ગેરંટી પણ આપવામાં આવશે. આ પહેલથી ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ ડિલિવરી સેવાઓ વધુ મજબૂત બનશે અને ગ્રાહકોને ઝડપી તેમજ વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel