યુદ્ધગ્રસ્ત રશિયાના મગદાનમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ ત્યાં ફસાયેલા મુસાફરો પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ આજે બપોરે 1 વાગ્યે મગદાન માટે રવાના થશે, જે ફસાયેલા મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈને રવાના થશે. બીજી તરફ, અમેરિકા પણ આ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે કારણ કે વિમાનમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ હોવાની શક્યતા છે. જો કે, અમેરિકન મુસાફરો કેટલા છે તે અંગે કોઈ સ્પષ્ટ આંકડો જણાવાયો નથી.
એર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જાયા બાદ મગદાનમાં ફસાયેલા મુસાફરો અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે તે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ આજે બપોરે 1 વાગ્યે મુંબઈ એરપોર્ટથી મગદાન માટે રવાના થશે. આ પ્લેન મગદાનમાં ફસાયેલા મુસાફરોને લઈને સાન ફ્રાન્સિસ્કો જશે. વિમાનમાં સવાર મુસાફરોને લઈને અમેરિકાની ચિંતા વધી ગઈ છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે અને અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં ઘણો સાથ આપ્યો છે. જેના લીધે રશિયા તેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.
ખરેખર તો સરકારની ચિંતા પણ વધી ગઈ છે કારણ કે વિમાને મગદાનમાં લેન્ડ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ત્યાંની હોટેલની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્ય હતા જે યાત્રીઓની થઈ રહેલી તકલીફોનો ખુલાસો કરે છે. મગદાન નાનું વિસ્તાર છે. એરપોર્ટની આજુબાજુ પૂરતી સંખ્યામાં હોટેલો પણ નથી. એવામાં યાત્રીઓને એરપોર્ટની નજીક એક સ્કૂલમાં રખાયા છે. અનેક યાત્રીઓને ડોર્મિટરીમાં સૂતા બતાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173 જે મંગળવારે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહી હતી, તેને એન્જિનમાં ખામી સર્જાતા રશિયાના મગદાનમાં ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. વિમાનમાં 216 મુસાફરો ઉપરાંત 16 ક્રૂ મેમ્બર પણ સામેલ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે એર ઈન્ડિયાએ માહિતી આપી છે કે તે મુસાફરોની કાળજી લઈ રહી છે. સ્થાનિક સરકાર આવાસ અને અન્ય જરૂરિયાતોમાં પણ મદદ કરી રહી છે. મુસાફરોને એરપોર્ટ નજીક સ્થિત એક શાળામાં લઈ જવામાં આવ્યા છે. અહીં તેમના ભોજન અને જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં આવ્યો છે.