મહારાષ્ટ્રના નાશિક માં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO યુનિટમાં ચાલી રહેલા કથિત યૌન ઉત્પીડન અને ધર્માંતરણ દબાણના કેસમાં હવે FIRની વિગતવાર વિગતો સામે આવી છે. આ કેસમાં અનેક મહિલા કર્મચારીઓએ ગંભીર આરોપો લગાવ્યા છે, જેને પગલે પોલીસ અને તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
માહિતી અનુસાર, આ મામલે પહેલી FIR નાશિકમાં નોંધાઈ હતી, ત્યારબાદ અન્ય ફરિયાદો મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તમામ FIRમાં કાર્યસ્થળે મહિલાઓ સાથે થયેલા વર્તન અંગે ગંભીર આક્ષેપો નોંધાયા છે.
કાર્યસ્થળે ઉત્પીડનના આક્ષેપો
ફરિયાદોમાં મહિલા કર્મચારીઓએ જણાવ્યું છે કે ઓફિસમાં કામ દરમ્યાન કેટલાક કર્મચારીઓ દ્વારા વારંવાર અભદ્ર ટિપ્પણીઓ, અંગત પ્રશ્નો અને અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. એક ટીમ લીડરે 2 એપ્રિલ, 2026ની FIRમાં શફી શેખ પર દુર્વ્યવહાર અને કુદૃષ્ટિ નાખવાનો આરોપ લગાવ્યો છે.
તે ઉપરાંત, સિનિયર મેનેજમેન્ટને ફરિયાદ કર્યા છતાં યોગ્ય કાર્યવાહી ન થવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રાન્સફર બાદ પણ આરોપીએ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.
ધર્માંતરણ માટે દબાણના આરોપ
કેટલાક ફરિયાદોમાં એવો પણ આક્ષેપ છે કે મહિલાઓને તેમના ધર્મ અને પરંપરાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરીને તેમને માનસિક રીતે દબાણમાં મુકવામાં આવતી હતી.
એક ફરિયાદ મુજબ, મિસકેરેજ બાદ એક મહિલાને અજમેરના મૌલવીનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સિવાય, કેટલાક કર્મચારીઓ દ્વારા હિંદુ રીતરિવાજો અને તહેવારોની મજાક ઉડાવવામાં આવતી હોવાનો આરોપ છે.
યૌન ઉત્પીડન અને બ્લેકમેઇલિંગ જેવા આરોપો
3 એપ્રિલે નોંધાયેલી બીજી FIRમાં એક 23 વર્ષીય મહિલાએ બે સહકર્મચારીઓ પર આરોપ લગાવ્યો કે તેઓ વારંવાર તેની પાસે આવી અંગત જીવન અંગે પ્રશ્નો પૂછતા અને અયોગ્ય ટિપ્પણીઓ કરતા હતા.
બીજી ફરિયાદમાં પાંચ કર્મચારીઓ સામે યૌન ઉત્પીડન, શરીર પર ટિપ્પણીઓ અને અયોગ્ય સ્પર્શના આક્ષેપો નોંધાયા છે. કેટલીક ફરિયાદોમાં દેવી-દેવતાઓ અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો હોવાનો પણ ઉલ્લેખ છે.
કાયદાકીય કાર્યવાહી અને તપાસ
આ તમામ FIRમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74, 75, 79 અને 3(5) હેઠળ ગુનાઓ નોંધાયા છે. ત્રણેય FIR માત્ર 48 કલાકમાં નોંધાઈ હતી, જે મામલાની ગંભીરતા દર્શાવે છે.
મહારાષ્ટ્ર પોલીસ હાલમાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ પાછળ કોઈ મોટું સંગઠિત નેટવર્ક છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel