અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની LCB ઝોન-7 ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ પર ઉદયપુર પોલીસે 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેમના સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
શું હતી ઉદયપુર ગેંગવોરની ઘટના?
માહિતી મુજબ, 7 એપ્રિલે ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના મુદ્દે બે ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી. ‘જાવેદ દાંતના’ ગેંગ અને ‘નઈમ ઠોકર’ ગેંગ વચ્ચે થયેલી આ ગેંગવોર દરમિયાન સાહિલ આરીફખાન નામના યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
ઘટના બાદ મુખ્ય આરોપીઓ રાજસ્થાનમાંથી ભાગીને ગુજરાતમાં છુપાયા હતા.
સરખેજમાં વોચ ગોઠવી ઝડપી પાડ્યા
સરખેજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બે શંકાસ્પદ શખસો એક ખાનગી હોટલ પાસે જોવા મળ્યા છે. LCB ટીમે તરત જ ત્યાં વોચ ગોઠવી હતી.
જેમજ આ બંને આરોપીઓ હોટલમાંથી બહાર નીકળ્યા, પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓની પ્રોફાઈલ
ઝડપાયેલા આરોપીઓમાં નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ (ઉંમર 34)નો સમાવેશ થાય છે, જે ‘નઈમ ઠોકર’ ગેંગનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. તેની સામે હત્યા અને લૂંટ સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
બીજો આરોપી કુંદનસિંહ કુશવાહ (ઉંમર 32) છે, જે રીઢો ગુનેગાર છે અને તેની સામે કુલ 17 ગુનાઓ નોંધાયેલા છે.
આગળની કાર્યવાહી અને અસર
બંને આરોપીઓ લાંબા સમયથી પોલીસને ચૂભતા ફરતા હતા. અમદાવાદ પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને રાજસ્થાન પોલીસને પણ જાણ કરી છે.
આ સફળ ઓપરેશન બાદ રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel