અમદાવાદ શહેરમાં તાજેતરના ચૂંટણી પરિણામોએ રાજકીય પક્ષો માટે ચિંતાજનક સંકેત આપ્યો છે. શહેરના 30 હજારથી વધુ નાગરિકોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ‘નોટા’ (NOTA – None of the Above) નો વિકલ્પ પસંદ કરીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આંકડા મુજબ વર્ષ 2021માં કુલ 19.65 લાખ મતદાનમાંથી 25,245 મત NOTAમાં પડ્યા હતા, જ્યારે 2026માં 19.69 લાખ મતદાનમાંથી 30,883 મતદારોએ NOTA પસંદ કર્યું છે. આ વધારો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે મતદારો હવે માત્ર પક્ષના આધારે નહીં પરંતુ ઉમેદવારોની કામગીરી અને વિશ્વસનીયતા પર આધારિત નિર્ણય લઈ રહ્યા છે.
વિસ્તારો મુજબ અસંતોષનો નકશો:
શહેરના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને NOTAનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે. થલતેજ વિસ્તારમાં સૌથી વધુ 970 મતદારો NOTA તરફ વળ્યા છે, જ્યારે વસ્ત્રાલમાં 953 અને રાણીપમાં 919 મત NOTAમાં પડ્યા છે.
તે ઉપરાંત ઈસનપુરમાં 894 અને રામોલ-હાથીજણ વિસ્તારમાં 822 મતદારોએ પણ NOTA પસંદ કર્યું છે. આ વિસ્તારોમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના મતદારો રહેતા હોવાથી તેઓ ઉમેદવારોની ગુણવત્તા પ્રત્યે વધુ જાગૃત હોવાનું માનવામાં આવે છે.
ઓછું NOTA વાળા વિસ્તારો:
બીજી તરફ, શહેરના કેટલાક વિસ્તારોમાં NOTAનો ઉપયોગ ઓછો રહ્યો છે. દરિયાપુરમાં સૌથી ઓછા માત્ર 340 મત NOTAમાં નોંધાયા છે. તેવી જ રીતે જામાલપુર અને ઈન્ડિયા કોલોનીમાં પણ માત્ર 349 જેટલા મત NOTAમાં પડ્યા છે.
આ વિસ્તારોમાં મતદારો હજુ પણ પરંપરાગત રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પર વિશ્વાસ જાળવી રાખતા હોવાનો સંકેત મળે છે.
રાજકીય પક્ષો માટે ચેતવણી:
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, NOTAના વધતા આંકડા રાજકીય પક્ષો માટે ‘લાલબત્તી’ સમાન છે. જ્યારે મતદારોને કોઈપણ ઉમેદવાર યોગ્ય ન લાગે અથવા સ્થાનિક સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળતા જોવા મળે, ત્યારે તેઓ NOTAનો વિકલ્પ પસંદ કરે છે.
30 હજારથી વધુ NOTA મત દર્શાવે છે કે શહેરના મોટા વર્ગમાં અસંતોષ છે અને રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં વધુ જવાબદારી દાખવવાની જરૂર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel