આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે.
ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આસામમાં આ NDA સરકારનો સતત ત્રીજો કાર્યકાળ છે. અગાઉ 2016માં સર્બાનંદ સોનોવાલ અને 2021માં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી.
With the blessings of Maa Kamakhya, Mahapurush Srimanta Sankardev and the people of Assam, I took oath as the Chief Minister.
Along with the Council of Ministers, we look forward to serving our people and continue to fulfill all their aspirations. pic.twitter.com/6ZNpExtQFM
— Himanta Biswa Sarma (@himantabiswa) May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરન બોરો અને અજંતા નિયોગ જેવા નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ સમારોહમાં ભાજપ શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી.
પ્રેરણાદાયી રાજકીય સફર
હિમંતા બિસ્વા સરમાનો રાજકીય પ્રવાસ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે. ગુવાહાટીમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં MA અને ત્યારબાદ પીએચડીની પદવી મેળવી હતી. તેમણે થોડો સમય હાઇકોર્ટમાં વકીલાત પણ કરી હતી.
તેમની રાજકીય કારકિર્દી કોટન કોલેજમાં વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે શરૂ થઈ હતી. 1990ના દાયકામાં કોંગ્રેસ સાથે જોડાયા બાદ તેઓ 2001માં જાલુકબારી બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ત્યારથી સતત જીતતા આવ્યા છે.
2015માં ભાજપમાં જોડાયા બાદ સરમાએ પૂર્વોત્તર ભારતમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને ‘નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ’ (NEDA)ના સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પ્રાદેશિક પક્ષોને ભાજપ સાથે જોડીને પૂર્વોત્તરમાં પાર્ટીનો વિસ્તાર કર્યો.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પૂર્વોત્તર ભારતમાં ભાજપના વધતા પ્રભાવ પાછળ સરમાની વ્યૂહાત્મક દૃષ્ટિ અને મહેનત સૌથી મોટું કારણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel