ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે પાયાની સુવિધાઓ ખૂબ જરૂરી છે અને દરેક પ્રોજેક્ટને અનાવશ્યક રીતે અટકાવવો યોગ્ય નથી.
એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટોને કડક ટિપ્પણીઓ
સુનાવણી દરમિયાન કોર્ટે પર્યાવરણ એક્ટિવિસ્ટોના વલણ પર કડક સવાલો ઉઠાવ્યા. ચીફ જસ્ટિસે કહ્યું કે, “આજકાલ દરેક વ્યક્તિ એક્ટિવિસ્ટ બની ગઈ છે, પરંતુ દરેક વિકાસ પ્રોજેક્ટને રોકવો યોગ્ય નથી.” કોર્ટે એ પણ પૂછ્યું કે શું કોઈ એવો પ્રોજેક્ટ છે જેને એક્ટિવિસ્ટોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય.
અરજદારની દલીલો શું હતી?
પર્યાવરણ કાર્યકર્તા ચેતન કુમાર નવિનત્રે વ્યાસ દ્વારા કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે પોર્ટના વિસ્તરણથી દરિયાઈ જીવો, ઓલિવ રિડલે કાચબા, પક્ષીઓ અને મેન્ગ્રોવ્સને નુકસાન થશે. ઉપરાંત, મંજૂરીઓ જૂના (2012) અહેવાલ પર આધારિત હોવાનું પણ જણાવ્યું હતું.
NGT અને સુપ્રીમ કોર્ટનો અભિગમ
NGTએ અગાઉ જ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) રિપોર્ટમાં તમામ પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટથી પર્યાવરણ પર કોઈ મોટી નકારાત્મક અસર થવાની શક્યતા નથી. સુપ્રીમ કોર્ટે પણ આ તારણને માન્યતા આપી છે.
માછીમારો પર અસર અંગે ચિંતા
અરજદારે દલીલ કરી હતી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પકડાતી 90% માછલીઓ પીપાવાવમાં ઉતારવામાં આવે છે અને પોર્ટના વિસ્તરણથી માછીમારોની રોજગારીને અસર થઈ શકે છે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે EIA રિપોર્ટ વૈજ્ઞાનિક ડેટા આધારિત હોય છે અને તેમાં આર્થિક તેમજ પર્યાવરણીય બંને પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે જ્યારે નિષ્ણાતો દ્વારા તમામ ટેકનિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ હોય અને કોઈ ગેરકાયદેસરતા સાબિત ન થાય, ત્યારે વિકાસ કાર્યોને અટકાવવાનું યોગ્ય નથી. ગુજરાતના દરિયાકાંઠાની કુદરતી ઊંડાઈ મોટા બંદર માટે અનુકૂળ હોવાનું પણ કોર્ટે જણાવ્યું.
અંતે કોર્ટે અરજદારને પુણે સ્થિત પશ્ચિમ ઝોન NGTમાં ફરી અપીલ કરવાની છૂટ આપી છે, પરંતુ NGTના મૂળ આદેશમાં ફેરફાર કરવાની કોઈ જરૂરિયાત નથી એવું સ્પષ્ટ કર્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel