છેલ્લી બે બેઠકમાં રેપો રેટ સ્થિર જાળવી રાખ્યા બાદ રિઝર્વ બેન્ક હવે વ્યાજ દર કયારે ઘટાડશે તેવી ચર્ચાએ જોર પકડયું છે, પરંતુ એનાલિસ્ટોના મતે વ્યાજ દરમાં ઘટાડાનો આધાર વર્તમાન વર્ષના ચોમાસા તથા ફુગાવા પર રહેલો છે.
ફુગાવામાં જોરદાર ઘટાડો થાય અથવા તો વૈશ્વિક કટોકટી એકદમ જ હળવી થઈ જાય તો જ રિઝર્વ બેન્ક નજીકના ભવિષ્યમાં રેપો રેટમાં ઘટાડો કરે તેવી શકયતા છે અન્યથા લોનધારકોએ વ્યાજ દરમાં ઘટાડા માટે લાંબો સમય રાહ જોવી પડે એમ છે.
ફુગાવાને નીચે લાવવા ગયા નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં ૨.૫૦ ટકા વધારો કરી તેને ૬.૫૦ ટકા સુધી લઈ ગઈ છે. જો કે વર્તમાન નાણાં વર્ષની બે બેઠકમાં વ્યાજ દર સ્થિર જાળવી રખાયા છે.
અલ નિનોની અસરને કારણે વર્તમાન વર્ષનું ચોમાસું અનિશ્ચિત રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં અનાજના ઉત્પાદન પર કોઈપણ અસર ખાધાખોરાકીના ભાવ ઊંચે લઈ જઈ શકે એમ છે, જેને કારણે એકંદર ફુગાવો ઊંચો જ રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. ઊંચા ફુગાવાની સ્થિતિમાં વ્યાજ દરમાં ઘટાડો શકય નથી.