કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે.
28 મેના રોજ તેઓ ગાંધીનગર વિસ્તારમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. વડસર ખાતે આનંદમ પરિવાર દ્વારા નિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ નવનીત વાંચનાલયોની શરૂઆત પણ કરવામાં આવશે. ખાત્રજ ખાતે તળાવ બ્યુટીફિકેશન અને ગ્રામ પંચાયત કચેરીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.
કલોલ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોને પ્રોત્સાહન
પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
તે ઉપરાંત, તેઓ સોનીપુર ખાતે ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસે બપોરનું ભોજન લેશે. સાંજે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં પ્રદેશ ભાજપના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે.
ઉમિયાધામ અને ભારત માતા કલ્ચરનું લોકાર્પણ
અમિત શાહ સોલા વિસ્તારમાં ઉમિયાધામ કેમ્પસના નવા હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. નવા વાડજ વિસ્તારમાં ભારત માતા નવનિર્મિત કલ્ચર સેન્ટરનું ઉદ્ઘાટન પણ તેમના કાર્યક્રમમાં સામેલ છે.
કચ્છમાં સુરક્ષા સમીક્ષા અને હરામી નાળા વિઝિટ
28 મેની મોડી સાંજે ગૃહમંત્રી કચ્છ માટે રવાના થશે. 29 મેના રોજ ભુજ ખાતે તેઓ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને બોર્ડર સુરક્ષા અને સૈન્યની કામગીરીની સમીક્ષા કરશે.
આ ઉપરાંત, તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા સંવેદનશીલ ક્રિક વિસ્તાર ‘હરામી નાળા’ની મુલાકાત પણ લેશે. આ વિસ્તાર સુરક્ષાના દ્રષ્ટિકોણે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રમતગમત ઈવેન્ટ્સની તૈયારી પર સમીક્ષા
અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી ઓલિમ્પિક, કોમનવેલ્થ અને વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની તૈયારીઓ અંગે પણ સમીક્ષા બેઠક કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel