Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા : વોશિંગ મશીનમાં બેસાડ્યા, બાથરૂમમાં બંધ કર્યા; 5 મહિલા કેરગીવર્સ સામે FIR

બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા : વોશિંગ મશીનમાં બેસાડ્યા, બાથરૂમમાં બંધ કર્યા; 5 મહિલા કેરગીવર્સ સામે FIR

બેંગલુરુના એક ડે-કેર સેન્ટરમાં બેથી ત્રણ વર્ષના માસૂમ બાળકો સાથે કથિત રીતે અત્યંત ક્રૂર અને અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ માતા-પિતા અને સામાન્ય લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ડે-કેર સેન્ટર ફ્રેન્ચ આઈટી કંપની કેપજેમિનીના બેંગલુરુ સ્થિત HAL કેમ્પસની અંદર ચાલી રહ્યું હતું. કંપનીના કર્મચારીઓ પોતાના નાના બાળકોને સુરક્ષિત સમજીને અહીં મૂકતા હતા, પરંતુ વાયરલ થયેલા વિડીયો સામે આવ્યા બાદ ડે-કેર સેન્ટરની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે રડતા બાળકોને શાંત કરવાના બદલે તેમને ડરાવવામાં અને ધમકાવવામાં આવતા હતા. એક બાળકને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનના ડ્રમમાં બેસાડવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. અન્ય એક વિડીયોમાં બાળકને બાથરૂમમાં બંધ રાખવામાં આવ્યો હોવાનો દાવો છે, જ્યારે બીજા બાળકના મોં પર ટોઇલેટ જેટ સ્પ્રે વડે પાણી મારવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ ગંભીર ઘટનાના વિડીયો વાયરલ થતાં જ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ડે-કેર સેન્ટરની પાંચ મહિલા કેરગીવર્સ વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આ બાબતની તપાસ કરી રહી છે કે આવા કૃત્યો કેટલા બાળકો સાથે અને કેટલા સમયથી કરવામાં આવતા હતા.

આ સાથે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ ડે-કેર સેન્ટરનું સંચાલન સીધું કેપજેમિની કંપની દ્વારા કરવામાં આવતું હતું કે કેમ્પસની અંદર કોઈ બાહ્ય એજન્સીને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. સમગ્ર મામલે CCTV ફૂટેજ, વાયરલ વિડીયો અને સ્ટાફની પૂછપરછના આધારે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાએ વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળકોની સુરક્ષાને લઈને ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને કોર્પોરેટ કેમ્પસમાં ચાલતા ડે-કેર સેન્ટરમાં નાના બાળકો સાથે આવા વર્તનના આરોપો અત્યંત ગંભીર છે. માતા-પિતા પોતાના બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રહે તેવી આશા સાથે ડે-કેરમાં મૂકે છે, પરંતુ આ પ્રકારની ઘટના વિશ્વાસને ઝટકો આપતી છે.

આ મામલે કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ ગંભીર નોંધ લીધી છે. આયોગે પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને પોતાના સ્તરે પણ તપાસ હાથ ધરવાની તૈયારી દર્શાવી છે. બાળકોના અધિકારો અને સુરક્ષા સાથે જોડાયેલો આ મુદ્દો હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટના બાદ કેપજેમિની કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું કે તેના કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષા તથા સ્વાસ્થ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપનીએ કહ્યું કે તે તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે.

સાવચેતીના પગલારૂપે કેપજેમિનીએ હાલ માટે આ ડે-કેર સેન્ટર અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટનામાં જવાબદારી કોની હતી અને બાળકો સાથે કથિત ક્રૂરતા માટે કોણ-કોણ સીધું જવાબદાર છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.